લિફ્ટના બહાને ખેડૂતને કારમાં બેસાડ્યો, રસ્તામાં જ ખિસ્સાં સાફ કરી ત્રિપુટી ફરાર
કપાસના વેચાણના રૂ.1.24 લાખ લઈને યાર્ડથી ઘરે જતાં ખેડૂતને ગોખલાણા ચોકડીએ અલ્ટોમાં લિફ્ટ મળી, કલોરાણા ગામના પાટિયા પાસે ઉતાર્યા બાદ રોકડ અને મોબાઇલ ગાયબ થયાની જાણ થઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
અજાણ્યા શખ્સોની કારમાં લિફ્ટ લેવી એક ખેડૂતને ભારે પડી હતી. રસ્તામાં મદદના બહાને કારમાં બેસાડેલા ખેડૂતના ખિસ્સામાંથી રૂ.24,863 રોકડા અને મોબાઇલ ફોન સેરવી લઈ ત્રણ શખ્સો કાર લઈને ફરાર થઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતના ખિસ્સામાં રહેલા એક લાખ રૂપિયા તો બચી ગયા, પરંતુ બાકીની રોકડ અને મોબાઇલની ચોરી થતાં ખેડૂત પોલીસ મથકે પહોંચ્યા હતા. જસદણના ગોખલાણા ચોકડી નજીક બનેલી આ ઘટનામાં પોલીસે સફેદ કલરની અલ્ટો કારના ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
બનાવની વિગત મુજબ બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતા 55 વર્ષીય વિરજીભાઈ દેવશીભાઈ મકવાણા ખેતીકામ કરે છે. તેઓ કપાસનો જથ્થો વેચવા માટે ગામની કેરી ગાડીમાં માલ ભરી જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. અહીં અવધ નામની પેઢીમાં કપાસની હરાજી અને તોલમાપની પ્રક્રિયા પૂર્ણ થતાં 67 મણ 15 કિલો કપાસનું રૂ.1,24,863નું બિલ થયું હતું. પેઢીના માલિક આંબાભાઈ મકવાણાએ બિલ સાથે વેચાણની રકમ ચૂકવી હતી. કપાસના વેચાણના રૂપિયા લઈને વિરજીભાઈ વાંકીયા ગામે પરત જવા નીકળ્યા હતા. માર્કેટિંગ યાર્ડની બહાર તેમને ગામના અરવિંદભાઈનો પુત્ર કેતન મળી જતાં તેઓ તેની બાઈકમાં ગઢડીયા ચોકડી સુધી ગયા હતા. ત્યાંથી ગોખલાણા ચોકડી સુધી ચાલીને પહોંચ્યા બાદ રોડ પર વાહનની રાહ જોઈ ઊભા હતા.
આ દરમિયાન આશરે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં સફેદ કલરની અલ્ટો કાર ત્યાં આવી હતી. કારમાં બેઠેલા શખ્સોએ બાબરા જવાનો રસ્તો પૂછતાં વિરજીભાઈએ તેમને રસ્તો બતાવ્યો હતો. પોતે પણ વાંકીયા ગામે જવાનું હોવાથી કારમાં લિફ્ટ માગી હતી. કારચાલકે તેમને આગળની સીટ પર બેસાડ્યા હતા, જ્યારે પાછળની સીટ પર અન્ય બે શખ્સો બેઠા હતા. વિરજીભાઈના જણાવ્યા મુજબ, તેમના એક ખિસ્સામાં રૂ.1 લાખ અને બીજા ખિસ્સામાં રૂ.24,863 રોકડા તથા મોબાઇલ ફોન રાખેલો હતો. કારમાં બેઠા બાદ શખ્સોએ કલોરાણા ગામના પાટિયા પાસે તેમને ઉતારી દીધા હતા. કારમાંથી નીચે ઉતર્યા બાદ ખિસ્સામાં તપાસ કરતાં રૂ.1 લાખ તો સલામત હતા, પરંતુ બીજા ખિસ્સામાં રાખેલા રૂ.24,863 અને મોબાઇલ ફોન ગાયબ હતા.
પોતાની સાથે હાથફેરો થયાની જાણ થતાં જ વિરજીભાઈએ બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં અલ્ટો કારચાલકે ગાડી પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી અને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડી રસ્તામાં જ હાથફેરો કરી ગયેલી ત્રિપુટી સામે ખેડૂતે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. જસદણ પોલીસની સાથે એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી સફેદ કલરની અલ્ટો કાર અને તેના ચાલક સહિતના ત્રણેય શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


