ગુજરાતમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થય સાથે ગંભીર ચેડાં
નદીઓ જોખમી બની, પીવાનું પાણી ઝેરી
ભૂગર્ભજળમાં ફોરવેર કેમિકલ્સ નામના અત્યંત ઘાતક રસાયણોનું ઝેર ભળ્યું : હાર્જરડોઝ મટીરીયલ એડવાન્સ જર્નલમાં પ્રકાશીત અહેવાલમાં કરાયેલો ગંભીર દાવો
કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેકસટાઇલ, પેઇન્ટસ અને સેમિ કન્ડકટર જેવા ઉદ્યોગમાંથી ઠલવાતો પ્રવાહી કચરો નદી અને જળસ્ત્રોતમાં ભળ્યા : લોકો પર કેન્સરનું જોખમ
ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની નદીઓ અને પાણીના સ્ત્રોતમાં PFASની હાજરીનો ઉલ્લેખ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં હવે વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નદીઓ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે. અને ભૂગર્ભજળમાં ‘PFAS’ (ફોરેવર કેમિકલ્સ) નામના અત્યંત ઘાતક રસાયણોનું ઝેર ભળી રહ્યું છે. Hazardous Materials Advances જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે.
અતિ-ઔદ્યોગિકરણ ધરાવતા ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોમાંથી ઠલવાતો પ્રવાહી કચરો પાણીમાં ફોરેવર કેમિકલ્સ ભળવાનું સૌથી મોટું કારણ બની રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સ, તેમજ કેમિકલ ઝોનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ અને મેટલ પ્લેટિંગની પ્રક્રિયામાંથી આ ઝેરી રસાયણો સીધા જ નદી અને જળસ્ત્રોતોમાં ભળી રહ્યા છે. માત્ર ઔદ્યોગિક કચરો જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વપરાતા ફાસ્ટ ફૂડ રેપર્સ (ફૂડ પેકેજિંગ), નોન-સ્ટીક વાસણો (ટેફલોન કોટિંગ), કોસ્મેટિક ઉત્પાદનો અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા વપરાતા ખાસ ફીણમાં પણ આ ઘાતક સંયોજનોનો ભરપૂર ઉપયોગ થાય છે.
આ સમગ્ર બાબત PFAS (Per- and Polyfluoroalkyl Substans) નામના રસાયણો સાથે સંબંધિત છે. તેનો ઉપયોગ કપડાં પર ખાસ કોટિંગ બનાવવા અને ઘણા ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવામાં થાય છે. આ રસાયણોની સૌથી મોટી સમસ્યા એ છે કે તે સરળતાથી તૂટી જતા નથી. તેઓ પાણી અને માટી સુધી પહોંચ્યા પછી લાંબા સમય સુધી ટકી રહે છે. ચિંતા પણ વધી છે કારણ કે કેટલાક અભ્યાસમાં પાણી સાફ કર્યા પછી પણ તેમની હાજરી સામે આવી છે. આનો અર્થ એ છે કે જે પ્રક્રિયા દ્વારા પાણી પીવાલાયક બનાવવામાં આવે છે તે આ રસાયણોને સંપૂર્ણપણે દૂર કરવામાં સફળ નથી થઈ રહ્યું.
NGT સમક્ષ મૂકવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના જળ સ્ત્રોતોમાં PFASની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે ચેન્નાઈમાં હાથ ધરાયેલા અભ્યાસની પણ નોંધ લીધી હતી. તેમાં કેટલાક પીએફએએસ કેમિકલની માત્રા પાણીને સાફ કર્યા પછી કાચા પાણી કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ શોધથી પાણીની સ્વચ્છતા અને તેની ગુણવત્તા પર નજર રાખવા અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. જોકે. આનો અર્થ એ નથી કે આ રાજ્યોમાં પીવાના પાણીના તમામ સ્ત્રોતો દૂષિત છે પરંતુ અલગ-અલગ જગ્યાએ જોવા મળેલી હાજરી ચોક્કસપણે તપાસનો વિષય છે.
આ રસાયણો વિશેની ચિંતા માત્ર પાણીની ગુણવત્તા પૂરતી મર્યાદિત નથી પણ લોકોના સ્વાસ્થ્ય પર તેમની સંભવિત અસર વિશે પણ છે. NGTના આદેશમાં વૈજ્ઞાનિક વર્ગીકરણને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે PFOA ને મનુષ્યમાં કેન્સરનું કારણ માનવામાં આવે છે, જ્યારે PFOS ને સંભવિત કાર્સિનોજેનિક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રસાયણોના સંપર્કમાં રહેવાથી સંબંધિત સંભવિત જોખમો શોધવાનું મહત્વપૂર્ણ છે. આ માટે પાણીનું નિયમિત પરીક્ષણ કરવું પડશે અને લોકોના સંપર્કમાં આવતા રસાયણોની માત્રાનું મૂલ્યાંકન કરવું પડશે.
આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભારતમાં પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરતા ધોરણોમાં PFAS માટે કોઈ અલગ મર્યાદા નથી. તેના આદેશમાં NGTએ પીવાના પાણીના ધોરણ IS 10500:2012 હેઠળ PFAS માટે ચોક્કસ ધોરણોની ગેરહાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત, દેશમાં કોઈ વ્યાપક રાષ્ટ્રીય ડેટા નથી જે જાણી શકે કે આ રસાયણો કેટલા વિસ્તારોમાં છે અને કેટલા લોકો તેમના સંપર્કમાં આવી રહ્યા છે. તેમના ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે ચોક્કસ નિયમનકારી નિયંત્રણોના અભાવનો મુદ્દો પણ સામે આવ્યો છે.
પાંચ સ્થળોએ જવાબ આપવો પડશે
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એનજીટીએ પાંચ સંસ્થાઓને પક્ષકાર બનાવ્યા છે. તેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, IIT મદ્રાસ અને CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટોક્સિકોલોજી રિસર્ચનો સમાવેશ થાય છે. એનજીટીએ દરેકને તેમના સંબંધિત જવાબો સોગંદનામાના રૂપમાં ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણીના ઓછામાં ઓછા એક સપ્તાહ પહેલા તમામ સંસ્થાઓએ પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે.
NGTએ પોતે મીડિયા રિપોર્ટનું ધ્યાન રાખ્યું હતું
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પાણીમાંથી આ કેમિકલ્સને દૂર કરવામાં સંપૂર્ણ રીતે સફળ નથી થઈ રહ્યા. આ રિપોર્ટના આધારે એનજીટીએ સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. હવે આ કેસની આગામી સુનાવણી 3 માર્ચ, 2027ના રોજ થશે. દરેકની નજર પાણીમાં આ રસાયણોની હાજરી, તેના પરીક્ષણ, સ્વાસ્થ્ય પર સંભવિત અસરો અને તેને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે સંબંધિત સંસ્થાઓ શું માહિતી આપે છે તેના પર રહેશે.
રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી
આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર સમસ્યા હોવા છતાં ગુજરાતની સાબરમતી, મહી, નર્મદા કે તાપી જેવી મુખ્ય નદીઓ કે શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ જ સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી પરિણામે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો છે.
બિસ્લેરીના પાણીના સેમ્પલ ફેઇલ
દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપની બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીના પાણીના સેમ્પલની બે અલગ-અલગ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી. બંને તપાસમાં સેમ્પલ નિર્ધારિત સુરક્ષા ધોરણો પર ખરું ઊતર્યું નહોતું. તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધુ અને પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી સામે આવી હતી.
FSSAI દ્વારા બિસ્લેરી ઇન્ટરનેશનલના પરિસરમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું નિયમનકારી સેમ્પલ લેવામાં આવ્યું હતું. પ્રારંભિક લેબોરેટરી તપાસમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા મુજબ ન હોવાનું સામે આવ્યું હતું. આ કારણસર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ પાણીના સેમ્પલને અસુરક્ષિતજાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી. જેથી સેમ્પલને વધુ તપાસ માટે રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જોકે, બીજી લેબોરેટરીના રિપોર્ટમાં પણ પાણી અસુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. આ તપાસમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી મળી આવી હતી.


