ઘાટકોપરમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં ભવ્ય જૈન દીક્ષા મહોત્સવનો પ્રારંભ
રાજમાર્ગો પર ‘સંયમ શૂરા શોભાયાત્રા’ અને નમિ રાજર્ષિની નાટ્ય પ્રસ્તુતિથી ભક્તિમય માહોલ
“દીક્ષા ચારની છે, પણ મહોત્સવ કરોડોનો છે” — પરમ ગુરુદેવે સંયમ અને ત્યાગનો મહિમા સમજાવ્યો;
આજે રાત્રે ‘મારી લાડકી દીકરી’ અને આવતીકાલે ‘સત્ નિમિત્તથી સંયમ’ કાર્યક્રમ યોજાશે
અગ્ર ગુજરાત, મુંબઈ (ઘાટકોપર):
ઘાટકોપર (પૂર્વ) ખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના પાવન સાંનિધ્યમાં પાંચ દિવસીય ભવ્ય જૈન દીક્ષા મહોત્સવનો બુધવાર, તા. ૨૫ નવેમ્બરથી ભાવભર્યો પ્રારંભ થયો હતો. દીક્ષા, સંયમ, ત્યાગ અને વૈરાગ્યના મહિમાને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મહોત્સવના પ્રથમ દિવસે ઘાટકોપરના રાજમાર્ગો પર જયકાર ગજાવતી શોભાયાત્રા, અદભૂત નાટિકા અને રજોહરણ નૃત્યની પાવનતાએ હજારો ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રથમ દિવસે સવારે ૭:૩૦ કલાકે ઘાટકોપર (પૂર્વ) ખાતે માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવારના આંગણેથી ભવ્ય ‘સંયમ શૂરા શોભાયાત્રા’નું પ્રસ્થાન થયું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ગીત-સંગીતના તાલે ઝૂમતાં ચારેય મુમુક્ષુઓના સંયમ અને ત્યાગની અનુમોદના કરી હતી. ભક્તિ અને ઉત્સાહના માહોલ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રાનું સમાપન ડુંગર દરબાર ખાતે થયું હતું.
સવારે ૯:૩૦ કલાકે ડુંગર દરબાર ખાતે ‘સવાલ અનેક, સંકલ્પ એક’ નામની ભાવનાત્મક નાટ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ નાટક દ્વારા મિથિલાના સમ્રાટ નમિ રાજર્ષિના અડગ વૈરાગ્ય અને ત્યાગની ગાથા જીવંત કરવામાં આવી હતી. સ્વયં ઇન્દ્રએ પરીક્ષા લીધી હોવા છતાં નમિ રાજર્ષિના દૃઢ સંકલ્પ સામે તેઓ નિરુત્તર બન્યા હતા. પ્રસ્તુતિ દરમિયાન નમિ રાજર્ષિ તથા મુમુક્ષુઓએ દીક્ષા, સંયમ અને વૈરાગ્ય અંગે ભાવિકોના મનમાં રહેલા વિવિધ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા.
આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે દીક્ષાર્થીઓના પરિવારજનો, સાધુ ભગવંતો અને મહાસતીજીઓ સહિત “સકળ સંઘ” આ મહોત્સવની તૈયારીમાં જોડાયો છે. તેમણે ફરમાવ્યું હતું કે કોઈ એક વ્યક્તિ ત્યાગ કરે અને અનેક લોકો તેના સંયમની અનુમોદના કરે, ત્યારે કર્મ પ્રત્યે કરુણા પ્રગટે છે. ચારેય મુમુક્ષુઓને જન્મજાત વૈરાગી ગણાવતા તેમણે નાટ્ય પ્રસ્તુતિઓ માટે કલ્પના, કલમ અને કાગળના સમન્વયથી જહેમત ઉઠાવનાર મહાસતીજીની અનુમોદના કરી હતી.
ગુરુદેવે વધુમાં ઉમેર્યું હતું કે, “દીક્ષા તો એક વૃક્ષ નીચે પણ આપી શકાય, પરંતુ સંયમનું મહત્ત્વ માત્ર જૈન સમાજ પૂરતું સીમિત ન રહેતાં જનજન સુધી પહોંચે તે હેતુથી આ મહોત્સવનું આયોજન કરાયું છે. દીક્ષા ચારની છે, પણ મહોત્સવ કરોડોનો છે.”
આજે રાત્રે ૮:૦૦ કલાકે ડુંગર દરબાર ખાતે પ્રસિદ્ધ લોકગાયક શ્રી સુનિલભાઈ સોની તથા શ્રી અસ્મિતાબેન શાહ દ્વારા ‘મારી લાડકી દીકરી, વ્હાલનો દરિયો’ કાર્યક્રમ રજૂ થશે, જેમાં સંગીત અને સંવેદનાના સમન્વયથી દીકરીના સ્નેહ અને પરિવાર સાથેના ભાવનાત્મક સંબંધોને ઉજાગર કરાશે.
આવતીકાલ તા.૨૬ નવેમ્બરને ગુરુવારના રોજ સવારે ૯:૦૦ કલાકે “સત્ નિમિત્તથી સંયમ“ કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થીઓ સંસારને ફાઈનલ ફુલ સ્ટોપ આપશે અને તેમના માતા-પિતા પોતાની અનુભૂતિ વ્યક્ત કરશે. ત્યારબાદ સાંજે ‘સંયમ શૂરા શોભાયાત્રા’ અને ‘વૈરાગીને વંદન – સંયમ ભક્તિ’નો અનોખો કાર્યક્રમ યોજાશે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી ભાવિકોને આ પાવન પ્રસંગોમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


