સ્માર્ટ મીટર ક્યારે લાગ્યું તે ગ્રાહકને ખબર જ નથી
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય સાથે આવું જ કંઇક બન્યું. સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરમાં એક સામાન્ય વ્યક્તિને MGVCL દ્વારા 9.24 લાખ રૂપિયા લાઈટ બિલ બાકી હોવાનો મેસેજ મોકલતા ચોંકી ઊઠ્યા છે. સામાન્ય રીતે તેમનું બિલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને સ્માર્ટ મીટર લાગતા જ લાખ્ખો રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે. જેને લઇને આ પરિવાર હેરાન પરેશાન છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વડોદરામા ગોરવા વિસ્તારની રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મુત્યુજય રહે છે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઈટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા ટેન્શનમાં આવી ગયા હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકાતા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી.
સામાન્ય રીતે 2 હજારની આસપાસ બિલ આવે છે
ગ્રાહક મૃત્યુંજયે જણાવ્યું હતું કે, હું ગોરવા વિસ્તારમાં આવેલી રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં છેલ્લાં 7 વર્ષથી ભાડેથી રહુ છું. મારે દર મહિને એવરેજ 2 હજાર રૂપિયાની આસપાસ લાઈટ બિલ આવે છે પણ 4થી 5 દિવસ પહેલાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો હતો કે, તમારું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઇ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ 9,24,254 રૂપિયા છે. દર મહિને 5 હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે.


