શિયાળાનો મિજાજ આકરો બનશે
ડિસેમ્બર-જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની આગાહી
આગામી સાત દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીં : નલિયામાં ૧૦.૮ ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો, રાજકોટમાં ૧૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં શિયાળાનો મિજાજ ધીમે ધીમે આકરો બની રહ્યો છે અને ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હેઠળ અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ સૂકું રહેશે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં આકરી ઠંડી પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન તથા દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ટ્રફ સક્રિય છે, તેમજ નીચલા સ્તરે ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
હાલ જે ઠંડીનો માહોલ છે તે આગામી એક સપ્તાહ સુધી યથાવત રહી શકે છે. બીજી તરફ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડવાના અંબાલાલ પટેલના અનુમાનને પગલે આગામી સમયમાં ઠંડીનો રાઉન્ડ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અમરેલીમાં 13.4, રાજકોટમાં 14.4, મહુવામાં 14.5, ગાંધીનગરમાં 14.7 અને પોરબંદરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17, સુરતમાં 19.1 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


