- એપ્રિલનો પગાર મેની તા. 22મી સુધી ન મળતા મૂળીના કર્મીઓ પરેશાન
- છેલ્લા ઘણા સમયથી તા. 1 થી 5 સુધીમાં પગાર ન થતા રજૂઆત કરી
- જિલ્લામાં આવેલ CHCના કર્મીઓના પગાર બિલ ગાંધીનગરથી મંજુર થાય
ઝાલાવાડની સરકારી હોસ્પિટલોમાં વર્ગ-4ના કર્મી તરીકે ફરજ બજાવતા અંશકાલીન કર્મીઓને દર માસની તા. 1લીથી 5 મી સુધીમાં પગાર કરી દેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. તેમ છતાં કાઉન્ટર સહીમાં વીલંબ કરી દર માસે નીયમીત પગાર થતો નથી. હાલ મેના 22 દિવસ થઈ જવા છતાં એપ્રિલનો પગાર ન મળતા મુળી સરકારી હોસ્પિટલના અંશકાલીન કર્મીઓએ મામલતદારને રજૂઆત કરી ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.
જિલ્લામાં આવેલ CHCના કર્મીઓના પગાર બિલ ગાંધીનગરથી મંજુર થાય છે. ત્યારે વર્ગ-4ના કર્મી તરીકે ફરજ બજાવતા અંશકાલીન કર્મીઓ છેલ્લા ઘણા સમયથી અનીયમીત પગારથી પરેશાન છે. આ કર્મીઓએ મોંઘવારી અને કાયમીની માંગ સાથે હાઈકોર્ટમાં કેસ કર્યો છે. આ કેસની સુનાવણી થઈ રહી છે. પરંતુ હાઈકોર્ટે આ કર્મીઓને દર માસની 1થી 5 તારીખ સુધીમાં પગાર કરી દેવા આદેશ કર્યો છે. તેમ છતાં આ કર્મીઓના પગારમાં ધાંધીયા થતા તેઓને જીવન ગુજારવુ મુશ્કેલ બન્યુ છે. અંશકાલીન કર્મીઓને માર્ચ માસનો પગાર એપ્રીલ માસની 16 તારીખે મળ્યો હતો. જયારે એપ્રીલ માસનો પગાર મે માસની 22 તારીખ થઈ જવા છતાં હજુ સુધી મળ્યો નથી.


