હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં આરોપીને ચાર્જશીટ પહેલાં જ જામીન
કાલાવડના હુમલા કેસમાં જામનગરની અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટનો મહત્ત્વપૂર્ણ હુકમ; રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સોહિલ એચ. સમાની અસરકારક દલીલો માન્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી નં.2 મુનાફ ઉર્ફે મુસાભાઈ હારુનભાઈ ઓડિયાને જામનગરની અધિક જિલ્લા અને સેશન્સ અદાલતે ચાર્જશીટ દાખલ થાય તે પહેલાં જ જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સોહિલ એચ. સમા દ્વારા બચાવ પક્ષે કરવામાં આવેલી કાયદાકીય અને મુદ્દાસર દલીલોને ધ્યાને લઈ અદાલતે રૂ.25 હજારના જામીન મંજૂર કર્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગત તા.13 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે ફરિયાદી મનોજભાઈ દિનેશભાઈ ગોહિલ પોતાના ઘરની સામે આવેલી હનુમાન દાદાની ડેરી પાસે બેઠા હતા. આ દરમિયાન છરી, ધોકા અને પાઇપ જેવાં હથિયારો સાથે આવેલા 7થી 8 શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, હુમલામાં તેમને ગળા, ખભા, હાથ તેમજ શરીરના પાછળના ભાગે છરીના ઘા સહિતની ઇજાઓ થઈ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ ચાર-પાંચ વર્ષ જૂની અદાવત કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદીના ભત્રીજાએ એક યુવતીને ભગાડી જવાની ઘટનાને લઈને અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારથી બંને પક્ષો વચ્ચે મનદુઃખ ચાલતું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
આ ગુનામાં આરોપી નં.2 મુનાફ ઉર્ફે મુસાભાઈ ઓડિયા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષે એડવોકેટ સોહિલ એચ. સમાએ દલીલ કરી હતી કે અરજદારને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓની સરખામણીએ તેમની ભૂમિકા મર્યાદિત છે. ફરિયાદીને મુક્કા અને લાતો માર્યાનો આક્ષેપ છે, પરંતુ તેમના શરીરના કોઈ મર્મસ્થાન પર ઇજા પહોંચાડ્યાનું અરજદાર સામે દર્શાવવામાં આવ્યું નથી.
બચાવ પક્ષે વધુમાં રજૂઆત કરી હતી કે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ જોખમની બહાર છે. અરજદાર કાલાવડના કાયમી રહેવાસી હોવાથી નાસી છૂટવાની શક્યતા નથી. તપાસ અને ટ્રાયલ પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે તેમ હોવાથી આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવું એ ટ્રાયલ પહેલાંની સજાસમાન બની શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને ધ્યાનમાં રાખીને જામીન આપવા પણ દલીલ કરવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ ડી.એ. જીવરાજાણીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આરોપી ગુનાહિત કાવતરામાં સામેલ હોવાનો અને ફરિયાદી પરના હુમલામાં સંડોવાયેલા હોવાનો પ્રથમદર્શનીય કેસ હોવાનું જણાવી તપાસ પૂર્ણ થઈ નથી તથા ચાર્જશીટ પણ દાખલ થઈ નથી તેવી રજૂઆત કરી હતી. આરોપી જામીન પર મુક્ત થાય તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની, ટ્રાયલમાં હાજર ન રહેવાની કે ફરી ગુનામાં સંડોવાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોલીસ પેપર્સ, અરજી અને જવાબી સોગંદનામાનું અવલોકન કર્યું હતું. અદાલતે આરોપીને સોંપવામાં આવેલી ચોક્કસ ભૂમિકા, ફરિયાદીને થયેલી ઇજાઓનું સ્વરૂપ, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાની હકીકત તથા અરજદારના કાયમી રહેઠાણ સહિતના સંજોગો ધ્યાનમાં લીધા હતા. અદાલતે વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર અને ટ્રાયલ પૂર્ણ થવામાં લાગી શકે તેવા સમયને પણ મહત્ત્વ આપ્યું હતું. આરોપી ટ્રાયલ દરમિયાન હાજર રહે અને સાક્ષીઓને પ્રભાવિત ન કરે તે માટે યોગ્ય શરતો લાદી શકાય તેમ હોવાનું અવલોકન કરતાં આરોપી નં.2 મુનાફ ઉર્ફે મુસાભાઈ હારુનભાઈ ઓડિયાની રૂ.25,000ના જામીન પર મુક્તિનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફથી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સોહિલ એચ. સમા સાથે એસોસિયેટ મનીષભાઈ ડી. રાઠોડ અને રાજેશભાઈ જે. ગોહિલ રોકાયેલા હતા.


