ધર્મરાજ યુધિષ્ઠિર એક સમયે શ્રીકૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે તથા તેનું મહત્ત્વ શું છે તે બતાવો? ધર્મરાયના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હે ધર્મરાય! આ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ `કામિકા’ એકાદશી.
આ સંદર્ભે હું તમને દેવર્ષિ નારદ તેમજ પિતામહ ભીષ્મની વચ્ચે થયેલા સંવાદનું વર્ણન કરું છું. એક વાર દેવર્ષિ નારદ પૃથ્વીલોકનું પરિભ્રમણ કરતાં કરતાં કુરુક્ષેત્ર આવ્યા. ત્યાં ભીષ્મ દાદા બાણશય્યા પર સૂતા હતા તેમનાં દર્શન કર્યાં. ભીષ્મએ દેવર્ષિને આગમનનું કારણ પૂછ્યું. ત્યારે દેવર્ષિ નારદે જિજ્ઞાશાવશ અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના માહાત્મ્ય વિશે પ્રશ્ન કર્યો. નારદજીના પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મએ કહ્યું, હે દેવર્ષિ, અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા મુખ્ય ગણાય છે. બધી જ એકાદશીઓમાં પણ આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે. હે નારદજી! આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઇ પુણ્યશાળી બને છે. કામિકા એકાદશીનું ભક્તિપૂર્વક વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ મળે છે. આ એકાદશીએ ચોખાનો ત્યાગ કરવો. આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો અને સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ.
કામિકા એકાદશીએ શ્રી હરિવિષ્ણુને શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત પૂજન તેમજ અર્ચન કરવું. શ્રી હરિ વિષ્ણુને પંચામૃત, કેસર, શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરી શ્રી સુક્તમનો પાઠ કરવાથી લક્ષ્મી-નારાયણની એ વ્રત કરનાર મનુષ્ય પર કૃપાદૃષ્ટિ થાય છે. આ એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુને તુલસીપત્ર, પાન, સોપારી અને લવિંગ અર્પણ કરવાં. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી તુલસીદલ ચઢાવવા. વ્રત કરનારને પીપળાના વૃક્ષનાં મૂળમાં સરસિયાના તેલનો દીપક પ્રજ્વલિત કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે.
આ એકાદશીના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના પિતૃઓ પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ અંતર્ગત આ એકાદશીનું મહત્ત્વ સમજાવતા પિતામહ નારદજીને કહે છે કે હે નારદજી! કળિયુગમાં જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ભક્તિપૂર્વક તેમજ શ્રદ્ધા સહિત વ્રત કરશે તેને બધાં પાપોમાંથી છુટકારો મળે છે. આ કામિકા એકાદશીની કથા સાંભળવામાત્રથી વાજપેય યજ્ઞ કર્યાંનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ કરાવનારું છે. આ એકાદશીના દિવસે ગૌ પૂજનનું પણ ખૂબ મહત્ત્વ છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અંતર્ગત એકાદશીએ ગૌ પૂજન અને ગૌદાન તેમજ ગૌગ્રાસ અર્પણ કરવાથી કુબેરસમાન ધનની પ્રાપ્તિ થાય છે.
કામિકા એકાદશીએ સવારે વહેલા ઊઠી સ્નાન આદિ નિત્યક્રિયાથી પરવારીને પૂર્વાભિમુખ બેસી પીળાં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુના દ્વાદશાક્ષરી મંત્ર `ૐ નમો ભગવતે વાસુદેવાય’ની માળા કરવી. પછી શ્રી હરિવિષ્ણુને પીળાં પુષ્પ, તુલસીદલ અને પંચામૃત તેમજ ગંગા-યમુના જેવાં પવિત્ર નદીનાં જળથી સ્નાન કરાવવું. નૈવેદ્યમાં કેળાં તથા ગાયનું દૂધ ધરાવવાં. પ્રભુ શ્રી વિષ્ણુને લક્ષ્મીજી સહિત સુંદર આભૂષણ, આયુધ અર્પણ કરી વસ્ત્ર પહેરાવવાં. ત્યારબાદ સુગંધી દ્રવ્યનો છંટકાવ કરી સૌભાગ્ય દ્રવ્ય ચઢાવી, ધૂપ-દીપ-આરતી કરી મનવાંછિત ઇચ્છા શ્રી હરિવિષ્ણુ સમક્ષ રજૂ કરવી. 5 સફેદ જનોઈને કેસરથી રંગીને 5 પીળાં ફળ વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી ઈચ્છિત કામનાઓની સિદ્ધિ થાય છે. આ ઉત્તમ `કામિકા એટલે કે કામના પૂર્ણ કરવાવાળી એકાદશીનું વ્રત કરી શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી. રાત્રે જાગરણ કરવું.