ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહુવાના કળમોદરમાં નવા ચેકડેમનું કાર્ય શરૂ
મુકેશભાઈ પાબારીના આર્થિક સહયોગથી સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
1,11,111 જળ સ્ટ્રકચરોના નિર્માણના સંકલ્પને વરેલી સંસ્થા ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના જળસંકટ નિવારવાના ઉમદા હેતુ સાથે વધુ એક પ્રશંસનીય કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળમોદર ગામે ગીરગંગા દ્વારા એક નવા ચેકડેમનું નિર્માણ કાર્ય વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું છે.
કળમોદર ગામે આકાર લઈ રહેલા આ ચેકડેમના નિર્માણ માટે રાજકોટના જાણીતા દાતા, સફળ ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિત્વ ધરાવતા મુકેશભાઈ પાબારી તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. તેમના આ અમૂલ્ય અને ઉદાર સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તરફ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે.
આ ચેકડેમનું કાર્ય પૂર્ણ થતાં જ આગામી ચોમાસા દરમિયાન લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. જેના કારણે આજુબાજુના સમગ્ર વિસ્તારના ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે. આ વિશાળ ચેક ડેમ કરમોદર ગામ અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત, ઉનાળાની ઋતુમાં પશુ-પંખીઓ માટે પણ પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા ઊભી થશે.
ચેકડેમના નિર્માણ કાર્યના શુભારંભ પ્રસંગે ગામના સરપંચ પ્રતાપભાઈ કામળીયા, ઉપસરપંચ દીપુભાઈ કામળીયા તેમજ આગેવાનો અનુભાઈ કામળીયા, દામુભાઈ કામળીયા તેમજ સનાતન ગૌનગરીના ઓમરામબાપુ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.


