કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
કથા અમારે માટે નવ દિવસ ‘હોલી’ ડેઝ છે
મારે કોઇ મિત્ર નથી એટલે કોઇ શત્રુ પણ નથી
માનસમાં અડસઠ વખત ‘રથ’ શબ્દ આલેખાયો છે, એ અડસઠ તીર્થ છે
કેન્યા-કેરિચો, પરદેશની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’ ગઇકાલે છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી. કથાનો મંગલ-પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહ્યું કે એક યુવાનનો પ્રશ્ન છે કે બાપુ, અંતરયાત્રા કેવી રીતે કરી શકાય? શ્વેતાશ્વેતર ઉપનિષદનો એક મંત્ર છે, એ મંત્રમાં આંતરિક રથયાત્રા કેવી રીતે થાય એના માટેનો માર્ગ બતાવ્યો છે. આપણા શાસ્ત્રોએ પુરાણ-ઉપનિષદોએ કેટકેટલું કામ કર્યુ છે. આપણા સૌના જીવન માટે, ડગલેને પગલે આપણને રાહ બતાડે એ માટે ભારતીય મનીષિઓએ પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. શ્વેતાશ્વેતરોપનિષદનો મંત્ર
વેદાંતે પરમમ ગુહ્યમ પૂરા કલ્પે પ્રચોદિતમ
ન પ્રશાંતાય દાંતવ્યમ ન પુત્રાય શિષ્યાય
વાપુન: યસ્પ દેવે પરાભકિત યથાદેવે તથા ગુરો તસ્યતે પ્રશાંતે મકાત મન:…
ઉપનિષદ કહે છે: હે, સાધક! જેનું ચિત્ર ડામાડોળે હોય, પ્રશાંત ન હોય, રાગ-દ્વેષને કારણે ચિત્ત આંદોલિત થયા કરે, ઘરમાં રાગ-દ્વવેષ ફરિયાદ, નિંદા થતી હોય ત્યાં શાંતિ ન હોય, એક વાત યાદ રાખજો. શાંત હોય એ જ શાંતિ આપી શકે છે. ઘરનું નામ ‘શાંતિ સદન’ હોય પણ હોય નહીં! તો એવા પુત્ર કે શિષ્યને બ્રહ્મવિદ્યા આપવી નહીં.
આંતરિક રથ યાત્રા વિશે સંવાદ થઇ રહ્યો છે ત્યારે માનસમાં ત્રણ રથ છે (૧) રાવણનો રથ ભવ્ય છે, ભગવાન રામ વિ-રથ-રથ વગરના છે ત્યારે વિભિષણને ચિંતા થાય છે. એ અધીરો બને છે. ભગવાન રામ વિભિષણને કહે છે કે વિજય આપે એ રથ જુદો હોય છે તું ચિંતા ન કર (૨) એક દિવ્ય રથ છે. જે ઇન્દ્રએ રામ ભગવાન માટે મોકલેલો (3) આંતરિક યાત્રા માટેનો જે રથ છે તે સેવ્ય રથ છે. રાવણનો રથ આકાશમાં છે, એનો રથ એટલો ભવ્ય છે જેમાં બધું જ છે, એ આકાશમાં ધરતી પર ગમ્મેમ ત્યાં જઇ શકે છે. રામનો રથ ધરતી .પર છે પણ આપણા જેવા માટે, આપણી આંતરીક યાત્રા માટેનો રથ મધ્યમાં છે, મધ્યમાર્ગી છે.
માનસમાં ‘રથ’ શબ્દ અડસઠ વખત આવે છે, મારી દ્રષ્ટિએ એ અડસઠ તીર્થ છે અને રથ વિશે તુલસીદાસજીએ જુદી-જુદી પંકિતઓમાં દર્શન કરાવ્યું છે.
તેજ પુંજ રથ દિવ્ય અનુપા,
દરષિ યહ કોસલપુર ભૂપા
બલ, વિવેક, દમ, પરહિત ધોરે,
છમા કૃપા સમતા રજૂ જોરે
ઇસ ભુજન સારથી સુજાના
બિરતિ ચર્મ સંતોષ કૃપાના
દાન પરસુ બૃધ્ધિ શકિત પ્રચંડા,
બર બિગ્યાન કઠિન કોદંડા
વેદનું નિરંતર અધ્યયન કરવું પડે છે, એમાં રજા નથી હોતી. વ્યાકરણ અધ્યયનમાં ચાર રજાઓ હતી. આશ્રમોમાં છાત્રો ઋષિ મુનિઓ પાસે અધ્યયન કરતાં ત્યારે વેદ અધ્યયનમાં રજા ન હોય, એ નિરંતર ભણવાનું હોય છે. આદિ જગદગુરૂ શંકરાચાર્યજીએ આપણને સાદા-સરળ પાંચ માર્ગો બતાવ્યા છે. જે આપણે જીવનમાં કરી શકીએ જગદગુરૂએ ઉપદેશ પંચકમમાં સરળતાથી સમજાવ્યું છે. એ પાંચ શ્લોક અત્યંત મહત્વના છે, એ આખા શ્લોક નહીં પણ એના સારારૂપ વિધાનો હું આપ સૌને કહું… (૧) વેદોનિત્યમ ધિયતામ એટલે કે રોજ વેદોનું અધ્યયન કરવું (૨) પ્રતિદિનમ પાદુકામ સેવ્યતામ એટલે રોજ ગુરૂ-સદગુરૂ બૃધ્ધપુરૂષની પાદુકાનું સેવક કરવું (3) બૃધ્ધજને વાદે પરિત્યજતામ-વિદ્યાનો કે બૃધ્ધપુરૂષો સાથે કયારેય વાદ ન કરવો (૪) પ્રતિદિનમ ભિક્ષોષ ભોજનામ એટલે કે નિત્ય ભિક્ષાવૃત્તિથી ભોજન કરવું, ભિક્ષાભાવથી હંમેશા ભોજન કરવું અને (પ) હું સતત કથામાં આપને કહું છું એ વિધાન એકાન્તે સુખ માસ્યતામ હંમેશા થોડો-થોડો સમય એકાંતમાં રહો. દુનિયાને તો રોજ મળો છો! પણ કયારેક ખુદને-પોતાને તો મળો!
ગઇકાલની કથામાં અમદાવાદના જગન્નાથ મંદિરના દિલિપદાસબાપુ તથા નિર્મોહિ અખાડાના મંત્રી રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ રહી હતી. એમણે વ્યાસપીઠની અને પ્રિયબાપુની વંદના કરી હતી. દિલીપદાસબાપુએ પ્રાસંગીક ઉદબોધનમાં પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. રામકથામાં ગઇકાલે ભોજન પ્રસાદમાં ભાવકોને આટલા વ્યંજનો પિરસાયાં…..નોંધનીય વાત એ છે કે આ કથામાં જે રસોઇ બને છે. તેમાં ગંગાજળનો ઉપયોગ થાય છે. પ્રસાદમેનું : મટર-રિંગણાનું શાક, મીઠી બુંદી, ગાંઠીયા, રોટલા-રોટલી (બાપુએ હળવાશથી રોટલા-રોટલીનું રૂપક સમજાવ્યું કે રોટલો પતિ છે, પત્ની રોટલી છે, રોટલા ઉપર જ હંમેશા રોટલી હોય છે! એનો અર્થ એ કે સ્ત્રીને સન્માન આપો, હે રોટલાઓ! આ સમજો) ભીંડાનું શાક, સલાડ અથાણું, પાપડ, છાશ.
કથારત્નો
(૧) આપણે વ્યાકરણ નથી
(૨) ભૂખ એ રોગ છે, ભોજન એ ઔષધિ છે
(3) કથા જેટલી શાંતિથી સાંભળો છે, એ જ રીતે ઘરમાં પણ શાંતિ રાખજો!
(૪) જેને સુખી થવું હોય એને કોઇ દુ:ખી ન કરી શકે, જેને દુ:ખી જ થવું હોય એને કોઇ સુખી ન કરી શકે!
(પ) ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કૃપા કરીએ કોટી ઉપાયજી-નિષ્કુળાનંદ
(૬) શ્રેષ્ઠ વિજ્ઞાન એ છે જયાં હિંસા ન હોય
(૭) ભજન શબ્દ નાન્યતર જાતિનો શબ્દ છે
(૮) નિગાહોને નિગાહોસે બાત કરલી, રહે દોનો ખામોશ ઔર મુલાકાત કરલી
(૯) દુનિયા સાથે તો બેસો વછો, પણ થોડુંક પોતાની સાથે ય બેસો!


