લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે
૧૭ વર્ષની વય જૂથના છાત્રો પ્રોજેકટ રજૂ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
10 થી 17 વર્ષની વય જૂથના શાળાએ જતા કે ન જતા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ અને સંશોધન વૃત્તિ વિકસે તેમજ કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસરતા શીખે તે હેતુથી ભારત સરકારના સાયન્સ & ટેકનોલોજી વિભાગ અન્વયેના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન NCSTC – DST દ્વારા છેલ્લા 32 વર્ષથી ચાલતા કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનો વર્ષ 2026-27 માટેનો મુખ્ય વિષય “સુસ્થાઈતા – ટકાઉપણા માટે વિજ્ઞાન અને નવિનતા” જાહેર કરાયો છે જેમાં (1) કચરાના વ્યવસ્થાપન માટે R5 (2) ઊર્જા માટે E4 (3) ખોરાક – કૃષિ અને આરોગ્ય (4) પાણી: સંગ્રહ, યોગ્ય ઉપયોગ, રિસાયક્લિંગ અને સંરક્ષણ (5) સુસ્થાઈતા માટે ભારતીય જ્ઞાન પ્રણાલીનો ઉપયોગ – એવા પાંચ પેટા વિષયો નિશ્ચિત કરાયા છે.
ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના GUJCOST દ્વારા તેમના તમામ જિલ્લાઓમાં વિક્સવાયેલા લોક વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા માટે આ કામગીરી શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્સ, રાજકોટ દ્વારા થઈ રહી છે.
10 થી 17 વર્ષની વયજૂથના (10 થી 14 વર્ષ – જુનિયર અને 14+ થી 17 વર્ષ – સિનિયર) શાળાએ જતા કે ન જતા બાળકો બે બાળકોની ટીમ બનાવી વિષય અને પેટા વિષયને અનુરૂપ કોઈ સ્થાનિક સમસ્યા પસંદ કરી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને એક પ્રોજેક્ટ રિપોર્ટ, તથા તેની પ્રસ્તુતિ માટેના પોસ્ટર અને દૈનિક નોંધપોથી તૈયાર કરશે અને આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાના સંશોધન પત્રો રજૂ કરશે. તેઓના આ સંશોધન કાર્યમાં અવશ્યક માર્ગદર્શન માટે જે – તે શાળાના વિજ્ઞાન શિક્ષક અથવા અન્ય કોઈ વિષય નિષ્ણાંત વ્યક્તિ માર્ગદર્શક તરીકે રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા બાળકોએ NCSC ના પોર્ટલ https://n-csc.in/ ઉપર તા. 15 ઓગસ્ટ 2026 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ માટે વિષય અને પેટા વિષયને અનુરૂપ એક પ્રોજેક્ટ ટાઈટલ, એક યુનિક ઈમેઈલ આઈડી, બન્ને બાળકોના ફોટા, જન્મ તારીખના પ્રમાણપત્ર, અપાર આઇડી, વાલીનું નામ અને કોન્ટેક્ટ નંબર, ગાઈડ ટીચરનું નામ, કોન્ટેક્ટ નંબર અને ઈમેઇલ એડ્રેસ, શાળાના આચાર્યનું નામ, શાળાનું સરનામું વગેરે વિગતો હાથવગી રાખીને રજીસ્ટ્રેશન કામગીરી ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરવી.
આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રાજકોટના જિલ્લા સંયોજક મીનેષ મેઘાણી (Mo. 99788 25829) નો સંપર્ક કરવા જણાવાયું છે.


