મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ
બાળકી ગુમ થતાં શોધખોળમાં નીકળેલી મેટોડા પોલીસને ઝાડી-ઝાંખરામાંથી સંભળાઈ રડવાની રાડ ; દુષ્કર્મનો પ્રયાસ કરે તે પહેલાં જ આરોપી ઝડપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી ચોંકાવનારી ઘટનામાં મેટોડા પોલીસે સમયસૂચકતા અને હિંમતભરી કામગીરી કરી મોટી દુર્ઘટના બનતી અટકાવી છે. ઘર પાસે રમતી બાળકી અચાનક ગુમ થતાં પરિવારજનોની બૂમાબૂમ વચ્ચે પોલીસ શોધખોળમાં જોડાઈ હતી. દરમિયાન ખીરસરા રોડ તરફ ઝાડી-ઝાંખરામાંથી બાળકીના રડવાના અને ચીસોના અવાજે પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી બાળકીનું રેસ્ક્યુ કરી આરોપીને ઘટનાસ્થળેથી જ ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ મેટોડા જીઆઈડીસી ગેટ નં.1 નજીક રહેતા એક પરપ્રાંતીય પરિવારની છ વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન ત્યાં રહેતો વિક્રમ સુખદેવ ગોર નામનો શખ્સ બાળકીની નજીક આવ્યો હતો. બિસ્કિટ અને આઈસ્ક્રીમ આપવાની લાલચ બતાવી તે બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકી તેને અનુસરતી ખીરસરા રોડ તરફ પહોંચી હતી, જ્યાં આરોપી તેને અવાવરૂ ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો.
આ દરમિયાન આરોપીએ બાળકી સાથે અઘટિત કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે બાળકીના કપડાં ઉતારી નાખ્યા હતા અને પોતે પણ કપડાં ઉતાર્યા હતા. બીજી તરફ બાળકી ઘરે ન મળતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. આસપાસના વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા મેટોડા પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પીઆઈ મહાવીરસિંહ પરમાર સહિતની પોલીસ ટીમ બાળકીની શોધમાં અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી હતી. ખીરસરા રોડ નજીક પોલીસની ટીમ પહોંચી ત્યારે ઝાડી-ઝાંખરામાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં પોલીસ જવાનો દોડી ગયા હતા. ઝાડીઓ વચ્ચે પહોંચતા બાળકી આરોપીના કબજામાં હોવાનું જણાયું હતું. પોલીસે તુરંત જ બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી અને આરોપીને સ્થળ પરથી ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપીની ઓળખ વિક્રમ સુખદેવ ગોર (ઉ.વ.36) તરીકે થઈ છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને મેટોડા ગેટ નં.1 નજીક અંજલી પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી થોડા દિવસ અગાઉ જ મેટોડા કામ માટે આવ્યો હતો. અગાઉ પણ તે મેટોડામાં કામ કરી ચૂક્યો હોવાનું તેમજ બાદમાં અમદાવાદમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. બાળકીની તબીબી તપાસ કરાવવામાં આવી છે અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ, દુષ્કર્મના પ્રયાસ અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર પણ મેટોડા પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. આરોપીની પૂછપરછ ઉપરાંત તેના મોબાઈલની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલમાંથી વાંધાજનક સામગ્રી અથવા વિકૃત માનસિકતા તરફ ઈશારો કરતી બાબતો મળી હોવાની શક્યતાને પગલે મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકતો બહાર આવવાની શક્યતા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આરોપીનો બાળકી સાથેનો સંપર્ક, બનાવ પાછળનો હેતુ તેમજ અગાઉ આવી કોઈ હરકતમાં સંડોવાયેલો હતો કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરી રહી છે.
મેટોડા પોલીસની સમયસરની કાર્યવાહીથી માસૂમ બાળકી વધુ ગંભીર દુર્ઘટનાનો ભોગ બનતી અટકી છે. ખાસ કરીને બાળકીની રાડ પોલીસના કાને પડતાં જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસ ઝાડી-ઝાંખરામાં પહોંચી હતી, જેને કારણે માસૂમને હેવાનિયતના ચુંગાલમાંથી સુરક્ષિત બહાર કાઢી શકાયી હતી.


