લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો
રાજકોટની PHD કરતી 26 વર્ષીય યુવતીનો આક્ષેપઃ લગ્નનું વચન આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભ રહેતાં દવા આપી ગર્ભપાત કરાવ્યો હોવાનો આરોપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં લગ્નની ખાતરી આપી યુવતીનું લાંબા સમય સુધી શારીરિક શોષણ કર્યાનો અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરી વિશ્વાસઘાત કર્યાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના યુવક સામે રાજકોટ એ-ડિવિઝન પોલીસ મથકમાં 26 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ જેતપુર પંથકની અને હાલ રાજકોટમાં રહી PHDનો અભ્યાસ કરતી યુવતીનો વર્ષ 2021માં અભ્યાસ દરમિયાન ચિંતન ભરતભાઈ મકવાણા સાથે પરિચય થયો હતો. સમય જતાં બંને વચ્ચે ફોન તથા સોશિયલ મીડિયા મારફતે વાતચીત વધતી ગઈ અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવતી રાજકોટમાં વધુ અભ્યાસ માટે આવી ત્યારે પણ ચિંતન અવારનવાર તેને મળવા આવતો હતો. આરોપીએ અભ્યાસ પૂર્ણ થયા બાદ બંને લગ્ન કરી લેશે તેવી ખાતરી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવતીના આક્ષેપ મુજબ, ફેબ્રુઆરી 2023માં ચિંતન તેને રાજકોટના કિસાનપરા ચોક વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ ગયો હતો, જ્યાં પ્રથમ વખત બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. ત્યારબાદ લગ્ન કરવાનું વચન આપી તે જ સ્થળે અવારનવાર મળવાનું ચાલુ રાખ્યું હતું.
આ દરમિયાન જુલાઈ 2024માં યુવતીને ગર્ભ રહ્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ, આ વાતની જાણ ચિંતનને કરતાં તેણે લગ્ન કરી લેવાની ખાતરી આપી ગર્ભપાત માટેની દવા મોકલી હતી. દવાની અસરથી યુવતીનો ગર્ભપાત થઈ ગયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પછી બંને ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શને ગયા હતા. ત્યાં ચિંતને યુવતીની માંગમાં સેંથો પૂરી માતાજીની સાક્ષીએ તેને પત્ની તરીકે સ્વીકારી હોવાનો યુવતીનો દાવો છે. આ ઘટનાને પગલે હવે લગ્ન થઈ જશે તેવી યુવતીને આશા બંધાઈ હતી. જોકે ત્યારબાદ યુવતી લગ્નની વાત કરતી ત્યારે ચિંતન વિવિધ કારણો આપી વાત ટાળતો રહ્યો હતો.
તાજેતરમાં બંને વચ્ચે કોર્ટ મેરેજની પણ ચર્ચા થઈ હતી. પરંતુ ત્યારબાદ ચિંતને યુવતી કે તેના પરિવારને સીધી જાણ કરવાને બદલે તેના મોટાભાઈનો સંપર્ક કરી યુવતીના પરિવારને જેતપુરના સરદાર ચોક ખાતે બોલાવ્યા હતા. ફરિયાદ મુજબ, યુવતીને પોતાની સાથે લઈ જવાને બદલે તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. યુવતી તેના વિના ઘરે જવા તૈયાર ન થતાં ચિંતને જેતપુરમાં તેના સગાના ઘરે પરિવારજનોની હાજરીમાં બે-ત્રણ દિવસનો સમય માગ્યો હતો અને માતા-પિતા સાથે વાત કરી નિર્ણય લેવાની વાત કરી હતી. જોકે બાદમાં પણ લગ્ન અંગે કોઈ નિર્ણય ન લેવાતા મામલો વધુ ગંભીર બન્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગત 10 ઓગસ્ટે ચિંતને યુવતીને વ્હોટ્સએપ પર મેસેજ કરી માફી માંગી હતી. ત્યારબાદ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી તમામ સંપર્ક તોડી નાખ્યો હતો. લગ્નનું વચન આપી લાંબા સમય સુધી સંબંધ રાખ્યા બાદ અંતે લગ્નનો ઇનકાર કરાતા યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે ચિંતન ભરતભાઈ મકવાણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીઆઈ જે.વી. વાઢીયાની રાહબરી હેઠળ પીએસઆઈ આર.એમ. બરવાડિયા સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


