શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો
શાપર-ગોંડલની ત્રણ પેઢીમાં દરોડા : 1,165 કિલો શંકાસ્પદ દુધજન્ય પદાર્થ અને 400 લિટર દૂધ સહિત રૂ.3.11 લાખનો મુદ્દામાલ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ કરતા એકમો સામે રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ રેન્જના માર્ગદર્શન તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અનુસાર SOGની ટીમે શાપર-વેરાવળ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખી ત્રણ ડેરી પ્રોડક્ટ બનાવતી અને વેચતી પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીમાં શંકાસ્પદ માવો, એનાલોગ પનીર, શંકાસ્પદ મીઠાઇ, મસ્કો, દૂધ સહિત કુલ રૂ.3,11,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય SOGને મળેલી બાતમી અને હ્યુમન સોર્સના આધારે શાપર-વેરાવળ તથા ગોંડલ તાલુકાના વિસ્તારમાં ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને શંકાસ્પદ દુધજન્ય પદાર્થોમાં થતી ભેળસેળ તેમજ ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ અંગે બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક નોટિફિકેશનનો અમલ કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રથમ કાર્યવાહી શાપર-વેરાવળ ખાતેની જય ખોડીયાર ડેરી એન્ડ પ્રોડક્ટ ખાતે કરવામાં આવી હતી. પેઢીના માલિક અશ્વિનભાઇ કેશુભાઇ સોરઠીયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ભેળસેળયુક્ત દુધમાંથી બનાવેલો હોવાનું જણાતો આશરે 500 કિલો માવો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.1.35 લાખ આંકવામાં આવી છે. ઉપરાંત આશરે 40 કિલો એનાલોગ પનીર, રૂ.10 હજારની કિંમતનું આશરે 50 કિલો મસ્કો તેમજ આર્ટિફિશિયલ કલરના ચાર ડબ્બા મળી આવ્યા હતા.
ત્યારબાદ શાપર-વેરાવળની શ્રીજી કોર્પોરેશન ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. પેઢીના માલિક જયમીનભાઇ દિનેશભાઇ કનાબાર હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. અહીંથી આશરે 500 કિલો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.1.24 લાખ છે. ઉપરાંત 35 કિલો શંકાસ્પદ મીઠાઇ, 400 લિટર દૂધ સેપરેટ તથા આર્ટિફિશિયલ કલરના પાંચ ડબ્બા મળી આવ્યા હતા. શંકાસ્પદ મીઠાઇની કિંમત રૂ.7,700 અને દૂધની કિંમત રૂ.12 હજાર હોવાનું જણાવાયું છે.
ગોંડલ તાલુકાના સડક પીપળીયા ખાતે આવેલી બજરંગ ડેરીમાં પણ SOG દ્વારા તપાસ કરવામાં આવી હતી. પેઢીના માલિક રાજેશભાઇ છગનભાઇ ભુવા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તપાસ દરમિયાન આશરે 40 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું, જેની કિંમત રૂ.13,600 આંકવામાં આવી છે.
ત્રણેય પેઢીઓમાંથી પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે કુલ 1,165 કિલો જેટલો ખાદ્ય તથા દુધજન્ય પદાર્થ અને 400 લિટર દૂધ કબજે કર્યું છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.3,11,300 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. કબજે કરાયેલા શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લઇ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દૂધ, માવો, પનીર અને દૂધમાંથી બનતી મીઠાઇનો સીધો ઉપયોગ લોકોના ખોરાકમાં થતો હોવાથી તેમાં ભેળસેળ થાય તો જનઆરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. રાજકોટ ગ્રામ્ય SOGની આ કાર્યવાહીએ આવા શંકાસ્પદ દુધજન્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ તેમજ પ્રતિબંધિત એનાલોગ પનીરના ઉત્પાદન-વેચાણ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.આ કામગીરી SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ, PSI જી.જે. ઝાલા અને પી.બી. મિશ્રા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


