માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
ખાદીના વસ્ત્રો આપણું વલ્કલ છે
કરૂણા કોમળ હોય છે, કૃપા કયારેક કઠોર હોય છે
આંતરિક યાત્રાનો રથ આપણે પોતે જ ખેંચવાનો છે, એમાં ઘોડા નથી હોતા!
આફ્રિકા-કેન્યાના કેરિચો શહેરના પ્રાકૃતિક ઉપવનોથી સભર એવી ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ રથયાત્રા’ ગઇકાલે ચોથા પડાવ પર પહોંચી છે. કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે રથયાત્રાને કેન્દ્રમાં રાખીને આપણે સંવાદ કરી રહ્યાં છીએ ત્યારે અહીં આંતરયાત્રા-ભીતરી-આંતરિક યાત્રાને ધ્યાનમાં રાખવાની છે અને આંતરિક રથયાત્રા આપણે પોતે જ ઊંચકવાની છે. એમાં ઘોડા નથી હોતા! આપણે જ સારથી અને આપણે જ રથિ. સનાતન ધર્મના ચાર સ્થંભો છે. (૧) સનાતન ધર્મ તર્કની છૂટ આપે છે અન્ય ધર્મોમાં તર્કની મનાઇ છે (૨) સનાતન ધર્મમાં સૌને એમના વિચારોનો અધિકાર છે વિચારોની પ્રસ્તુતિ માટે સૌ કોઇ સ્વતંત્ર છે આ સનાતન ધર્મની મહાનતા છે. (3) વિશેષમુકત શાસ્ત્ર સંમત ધર્મ એ પણ સનાતન ધર્મનો સ્તંભ છે. (૪) સનાતન ધર્મ વિજ્ઞાનને લઇને ચાલે છે, અહીં વિજ્ઞાનનો સ્વીકાર છે.
આપણે મોટે ભાગે આલોચક લોચનથી કોઇપણ વસ્તુ કે ઘટનાને જોતા હોઇએ છીએ પણ અપલક લોચનની દ્રષ્ટિ રાખવી જોઇએ. આલોચક લોચન પ્રમાણ-હંમેશા પ્રમાણ માંગે છે. જયારે અપલક લોચન પ્રમાણ નહીં પ્રણામ કરે છે. રામકૃષ્ણ ઠાકુરને લોકોએ ખૂબ પજવ્યાં છે. કહે કે એને વાઇ આવછે છે. એટલે પડી જાય છે. રોગ છે, ધ્યાન વગેરે બકવાસ છે. કેટકેટલું સ્વામી રામકૃષ્ણ વિશે, બૌધ્ધિકો-કહેવાતા બૌધિકોએ એમને હેરાન કર્યા છે. પણ આલોચક લોચનથી જોનારાની ઉપેક્ષા કરી ઠાકુર તો અપલક લોચનથી મા…મા…મા…નો પોકાર કરતાં હતાં
કલકત્તાથી એક પ્રશ્ન આવ્યો છે (અનુબુઆનો પ્રશ્ન છે) પ્રશ્ન : બાપુ, કૃપા અને કરૂણામાં અંતર છે? જવાબ : હા, કૃપા અને કરૂણામાં ભેદ છે. કૃપા દ્રવિત થાય ત્યારે કરૂણામાં ફેરવાય જાય છે અને કૃપા કયારેક-કયારેક કઠોર પણ હોય છે કરૂણા કોમળ છે અને બાળપણમાં ભણતા ત્યારે હિન્દી ભાષામાં એક પાઠ આવતો ‘કઠોર કૃપા’ સરસ પાઠ હતો એમાં એક ગરીબ પરિવાર, ફળિયામાં સફરજનનું ઝાડ એ જ આજીવિકાનો આધારને સફરજન ખાય, સફરજન વેંચે એમ જીવન ગુજારે, હવે આ પરિવારને ત્યાં એક મહેમાન આવે છે અને જુએ છે કે આ લોકો ગરીબ છે. આ સફરજનનું ઝાડ એનો સહારો છે. મોડી રાતે મહેમાને ફળિયામાં ઉગેલા સફરજનના ઝાડને ઉખેડી નાંખે છે અને મહેમાન જતો રહે છે સવાર પડતા પરિવારના લોકોએ જોયું તો સફરજનનું ઝાડ મહેમાનોને તોડી નાખ્યું છે! પછી તો પરિવારના દરેક સભ્ય કોઇને કોઇ જગ્યાએ કામે લાગે છે અને ધીમે-ધીમે પરિવારની સ્થિતિ સારી થતી જાય છે. એક વર્ષ પછી પૈસો મહેમાન પાવછો આવે છે ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ જોઇને પ્રસન્ન થાય છે. આ હતી કઠોર કૃપા, કરૂણામાં લેનદેન ન હોય, કરૂણામાં આંસુઓ હોય છે શંકર પણ કરૂણા અવતાર છે
આપણી આંતરિક રથયાત્રા-ભીતરી યાત્રા માટે આ ત્રણ વસ્તુ જરૂરી છે (૧) શરીર શૃધ્ધિ-સ્વચ્છ વસ્ત્રો-પોષાક આપણી વૃત્તિઓ પ્રગટ કરે છે. (૨) મનશૃધ્ધિ-અચલ-નિર્મલ મન આંતરીક યાત્રા માટે ખૂબ જરૂરી છે. (3) ભાવશૃધ્ધિ સ્વામી રામતીર્થ-બાદશાહ રામતીર્થ રોજ પોતાની ડાયરી લખતાં, ઘણાં લોકો ડાયરી લખે છે (લખવા જેવું ન હોય તોય લખે છે!) તો સ્વામી રામતીર્થને સરદારપૂરણસિંહ પ્રશ્ન પૂછે છે કે સ્વામી, તમે દુનિયામાં યાત્રા કરો છો, જાપાન ગયા, અમેરિકા ગયા તો આ તો બહિરયાત્રા છે, આંતરિક યાત્રાનું શું? ત્યારે સ્વામી રામતીર્થ સરદાર પુરણસિંહને આંતરિક યાત્રાનું યાત્રાષ્ટક આપે છે. જેટલું યાદ આવે એ હું આપને કહું..બાદશાહ રામતીર્થ કહે છે કે અંતરયાત્રા એકાંતમાં થાય, બહાર યાત્રામાં ભીડ હોય છે, બહિર યાત્રા પરિગ્રહી હોય, અંતરયાત્રા અપરિગ્રહી હોય છે, બહિરયાત્રામાં પૂજન-અર્ચન હોય જયારે અંતરયાત્રામાં ભજન નિરંતર ભજન હોય, બહિર યાત્રામાં મુખરતા હોય છે આંતરિક યાત્રામાં મૌન હોય છે. દરેક મુખરતા એ બહિર યાત્રા છે પણ મૌન એ અંતરયાત્રા છે. બહિર યાત્રા સાધન સંપન્ન હોય, આંતરિક યાત્રા સાધના સંપન્ન હોય છે. પદયાત્રાએ બહિરયાત્રા છે પણ સદયાત્રા-સત્યયાત્રા આંતરિક યાત્રા છે.
કથારત્નો
(૧) રામાયણ-ગીતા મારી અંતર આંખો, હરિએ દીધી છે મને ઉડવાને પાંખો!
(૨) બિનતી સુનિએ નાથ હમારી! ઔર કહું કયા અંતર્યાની, તન, મન, ધન, પ્રોણો કે સ્વામી કરૂણાકર આકર કે કહિએ, સ્વીકારી વિનતી સ્વીકારી..
(3) ‘અવસર’ શબ્દ વૈષ્ણવી-વલ્લભ પરંપરાનો ખૂબ સુંદર શબ્દ છે
(૪) અલ્લાહ તેરો નામ, ઇશ્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન…
(૫) સાધુ ‘જપ’ નથી ઇચ્છતો ‘ધન્ય’ જ ઇચ્છે છે.


