IPL 2025માં પંજાબ કિંગ્સના શાનદાર ખેલાડી શશાંક સિંહે દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે આ સ્ફોટક ખેલાડી હાલ છત્તીસગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ 2025માં બિલાસપુર બુલ્સ તરફથી રમીને તેની તોફાની બેટિંગથી બોલરોને ચારેકોર મારી રહ્યો છે.
બિલાસપુરના કપ્તાનની જવાબદારી
આ એજ ખેલાડી છે જેને IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ તરફથી ફિફ્ટી ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મુશ્કેલીમાં મૂકી દીધું હતું, પરંતુ શશાંક સિંહની આ શાનદાર ફિફ્ટી એળે ગઈ હતી. હાલ આ શાનદાર ખેલાડીને છત્તીસગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ 2025માં બિલાસપુર બુલ્સ તરફથી રમવાનો મોકો મળ્યો છે, અને આ જવાબદારી મળતાજ તેણે બેટિંગથી જવાબદારી પૂરી કરવાનું ચાલુ પણ કરી દીધું છે. શશાંક સિંહને બિલાસપુર બુલ્સ તરફથી કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે.
શશાંક સિંહની સ્ફોટક ઇનિંગ
બિલાસપુર બુલ્સ અને રાયપુર રાઇનો વચ્ચે રમાયેલી મેચ ખુબજ રોમાંચક રહી હતી. આ મેચનું પરિણામ સુપર ઓવર સુધી ખેંચાયું હતું. રાયપુર રાઇનોએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બિલાસપુર બુલ્સના કેપ્ટન શશાંક સિંહે જોરદાર ફટકાબાજી કરીને 25 બોલમાં 1 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 41 રન ફટકાર્યા હતા. જોકે બિલાસપુર બુલ્સની ટીમ પણ પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 151 રન બનાવી શકી હતી, પરંતુ સુપર ઓવરમાં બિલાસપુરની ટીમ જીતી ગઈ હતી.
IPL માં મચાવ્યો હતો તરખાટ
IPL 2025માં શશાંક સિંહની બેટિંગ લાજવાબ રહી હતી. આ વર્ષે આઈપીએલમાં શશાંકે તેની બેટિંગથી દર્શકોની સાથે સાથે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોને પણ ખૂબ ખુશ કર્યા હતા. આ વર્ષે IPL 2025માં શશાંક સિંહે પંજાબ કિંગ્સ તરફથી 17 મેચમાં 50 ની સરેરાશ અને 153.51ના સ્ટ્રાઇક રેટથી 350 રન બનાવ્યા હતા, જેમાં શશાંક સિંહે ત્રણ શાનદાર ફિફ્ટી પણ ફટકારી હતી. IPL 2025ની સિઝનમાં શશાંકનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 61 રન હતો.