ઈન્ડિયા એ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે રમાયેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ ચોથા અને અંતિમ દિવસે ડ્રો રહી હતી. તનુષ કોટિયનની શાનદાર બેટિંગ અને અંશુલ કંબોજ સાથે આઠમી વિકેટ માટે 149 રનની પાર્ટનરશિપના આધારે ઈન્ડિયા એએ ઈંગ્લેન્ડ લાયન્સ માટે ૪૩૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ ત્રણ વિકેટે 32 રન બનાવી શકી હતી. બીજા દાવમાં ઈન્ડિયા એ માટે અંશુલ કંબોજે 2 વિકેટ લીધી, જ્યારે તુષાર દેશપાંડેને એક વિકેટ મળી.
તનુષ-કંબોજની શાનદાર પાર્ટનરશિપ
તનુષ-કંબોજની શાનદાર પાર્ટનરશિપની મદદથી ઈન્ડિયા A એ 7 વિકેટે 417 રન પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો. ઈન્ડિયા A એ કુલ 438 રનની લીડ મેળવી અને ઈંગ્લેન્ડ લાયન્સ માટે જીત માટે 439 રનનો ટાર્ગેટ આપ્યો. તનુષ કોટિયન સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ પછી ટી બ્રેકનું એનાઉન્ટમેન્ટ કરવામાં આવ્યું.
ત્રીજું સેશન શરૂ થાય તે પહેલાં ઈન્ડિયા A એ ઈનિંગ્સ ડિક્લેર કરવાનો નિર્ણય લીધો. તનુષ કોટિયન 108 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 90 રન બનાવીને અણનમ રહ્યો અને અંશુલ કંબોજ 86 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન બનાવીને અણનમ રહ્યો. આ બંને બેટ્સમેનોએ શાનદાર પાર્ટનરશિપ કરી અને બીજા સેશનમાં ઈંગ્લેન્ડ લાયન્સને એક પણ સફળતા મેળવવા દીધી નહીં.
ધ્રુવ જુરેલ અને નીતિશ કુમાર રેડ્ડીની ધમાકેદાર પાર્ટનરશિપ
આ પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ ટીમે ઈન્ડિયા A ના પહેલા દાવમાં 348 રનના જવાબમાં 327 રન બનાવ્યા હતા. ઈન્ડિયા એ માટે ચોથા દિવસે ધ્રુવ જુરેલ અને નીતિશ કુમાર રેડ્ડીએ રમત શરૂ કરી હતી. બંને બેટ્સમેન વચ્ચે પાંચમી વિકેટ માટે 46 રનની પાર્ટનરશિપ થઈ હતી. એડી જેકે ધ્રુવ જુરેલની આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી. નીતિશ સારી બેટિંગ કરી રહ્યો હતો અને અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ જ્યોર્જ હિલે તેને બોલ્ડ કરીને ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. નીતિશ અડધી સદી ફટકારવાનું ચૂકી ગયો અને 78 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 42 રન બનાવીને આઉટ થયો.
બીજી ઈનિંગમાં કેએલ રાહુલે ફટકારી અડધી સદી
ત્યારબાદ હિલે શાર્દુલ ઠાકુરને પોતાનો શિકાર બનાવ્યો અને તેને પેવેલિયન મોકલ્યો. શાર્દુલ આઉટ થતાં જ લંચ બ્રેક જાહેર કરવામાં આવ્યો. શાર્દુલ 47 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. ઈન્ડિયા A એ ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલ (5), કેએલ રાહુલ (51), કરુણ નાયર (15) અને કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન (80) ની વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડ લાયન્સ તરફથી જ્યોર્જ હિલે ત્રણ વિકેટ લીધી, જ્યારે ક્રિસ વોક્સ અને એડી જેકે બે-બે વિકેટ લીધી.