પેટ કમિન્સ લાંબા સમયથી મોટી મેચોમાં કેટલાક મોટા ઐતિહાસિક સ્પેલ ફેંકે છે. કેપ્ટનશીપની સાથે પેટ કમિન્સ બોલ સાથે ટાઈટલ મેચોમાં ધૂમ મચાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ફરી એકવાર આવું જ દ્રશ્ય જોવા મળ્યું.
કાંગારૂ કેપ્ટને WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માટે પોતાની ઘાતક બોલિંગથી જોરદાર વાપસી કરી છે. પેટ કમિન્સે ધૂમ મચાવી હતી અને માત્ર 28 રન આપીને પ્રોટીઝ ટીમના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટને WTC ફાઈનલમાં એવી બોલિંગ કરી છે જે વર્ષો સુધી યાદ રહેશે.
પેટ કમિન્સે મચાવી ધૂમ
પેટ કમિન્સે દક્ષિણ આફ્રિકાના બેટિંગ ઓર્ડરને તોડી નાખ્યો છે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂર્ણ કરી છે. પેટ કમિન્સ આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો કાંગારૂ ફાસ્ટ બોલર છે. આ સાથે પેટ કમિન્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આ ચક્રમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો છે. કાંગારૂ કેપ્ટને જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. બુમરાહએ આ ચક્રમાં 77 વિકેટ લીધી હતી.
પેટ કમિન્સે તોડ્યા અનેક રેકોર્ડ
પેટ કમિન્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં એક ઈનિંગમાં 6 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. કેપ્ટન તરીકે, કમિન્સે 9મી વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેને આ બાબતમાં બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે. કેપ્ટન તરીકે પેટ કમિન્સે લોર્ડ્સના મેદાન પર બેસ્ટ સ્પેલ ફેંકવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેને બોબ વિલિસનો 33 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
પેટ કમિન્સનો ઐતિહાસિક સ્પેલ
પહેલા દિવસે પહેલી 4 વિકેટ ગુમાવ્યા બાદ, ટેમ્બા બાવુમા અને ડેવિડ બેડિંગહામે બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ઈનિંગ્સને અમુક હદ સુધી સંભાળી લીધી હતી. સ્કોરબોર્ડ પર 94 રન હતા. પેટ કમિન્સનો ઘાતક સ્પેલ અહીંથી શરૂ થયો. કાંગારૂ કેપ્ટને પહેલા ટેમ્બા બાવુમાની 36 રનની ઈનિંગ્સનો અંત લાવ્યો.
આ પછી કાયલ વેરેન પણ માત્ર 13 રનના સ્કોર પર આઉટ થયો. કમિન્સે માર્કો યાન્સેનને ખાતું ખોલવાની તક પણ આપી ન હતી અને તેને શૂન્ય પર પેવેલિયન મોકલી દીધો હતો. સાઉથ આફ્રિકા માટે એકલા લડી રહેલા ડેવિડ બેડિંગહામને પણ પેટ કમિન્સે શિકાર બનાવ્યો. રબાડાને એક રનના સ્કોર પર આઉટ કરવાની સાથે પેટ કમિન્સે સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમને ફક્ત 138 રનમાં ઓલઆઉટ કરી દીધી.