વિમ્બલડનના યજમાન ઓલ ઇંગ્લેન્ડ ક્લબના અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની નિામી રકમ વધારીને રેકોર્ડ 53.5 મિલિયન પાઉન્ડ (લગભગ 6.23 અબજ રૂપિયા) કરી દેવામા આવી છે.
હવે સ્પર્ધાના સિંગલ્સ વર્ગના વિજેતાઓને ત્રણ મિલિયન પાઉન્ડ (લગભગ 34.93 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ મળશે. આ રકમ ગયા વર્ષે અપાયેલી રકમની તુલનામાં સાત ટકા અને 3.5 મિલિયન પાઉન્ડ વધારે છે. આ વધારો 10 વર્ષ પહેલા આ ગ્રાસ-કોર્ટ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મળનારી ઇનામી રકમ કરતા બમણી છે. ઓલ ઇંગ્લેન્ડ ક્લબના પ્રમુખ ડેબોરા જેવાન્સે કહ્યું હતું કે અમને આ વાતનો ગર્વ છે કે છેલ્લા 10 વર્ષમાં અમે ઇનામી રકમમાં ખૂબ વધારો કર્યો છે. અમે આ વર્ષે ગત વર્ષના આયોજનની તુલનામાં લગભગ સાત ટકા જેટલો વધારો ઇનામી રકમમાં કર્યો છે. આ વર્ષના પુરુષ અને મહિલા વર્ગના વિજેતાઓને ગયા વર્ષની ઇનામી રકમની તુલનામાં 11.1 ટકા વધારે રકમ મળશે. સિંગલ્સના પહેલા રાઉન્ડમાં હારનારને 66 હજાર પાઉન્ડ મળશે જે ગત વર્ષની તુલનામાં 10 ટકા વધારે છે. ઉલ્લેખનીય છે કે વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટનો પ્રારંભ આગામી 30 જૂનથી થનાર છે.