ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. 20 જૂનથી શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફર્યા હતા.
ગૌતમ ગંભીરની માતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે ગંભીરને ભારત પરત ફરવું પડ્યું હતું. ગૌતમ ગંભીર ક્યારે ઈંગ્લેન્ડ પરત ફરશે અને ટીમ ઈન્ડિયામાં જોડાશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે વધુ એક ભારતીય અનુભવી ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે અને ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ પર નજર રાખી રહ્યો છે.
વીવીએસ લક્ષ્મણ લઈ શકે છે ગૌતમ ગંભીરની જગ્યા
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની માતા ICU માં દાખલ છે, જેના કારણે ગંભીર હાલમાં ભારતમાં છે. તેમની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયા A ટીમ ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ BCCI સેન્ટર ઓફ એક્સેલન્સના CEO અને ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી વીવીએસ લક્ષ્મણ થોડા સમય માટે ગૌતમ ગંભીર પાસેથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ વીવીએસ લક્ષ્મણ પહેલેથી જ લંડનમાં છે અને તે ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ પર પણ નજર રાખી રહ્યા છે. વીવીએસ લક્ષ્મણ સિવાય ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટર અજિત અગરકર પણ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ પર નજર રાખી રહ્યા છે.
ટીમ ઈન્ડિયામાં કોચનું લેશે સ્થાન?
આ પહેલા પણ લક્ષ્મણ ટીમ ઈન્ડિયામાં કોચની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જ્યારે પણ ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે ન હતા, ત્યારે વીવીએસ લક્ષ્મણ કોઈને કોઈ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપતા હતા. આ પરિસ્થિતિમાં, તેઓ ફરી એકવાર કોચિંગ કરતા જોવા મળી શકે છે.
પ્રેક્ટિસ મેચમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
ઈન્ટ્રા સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ સિનિયર અને જુનિયર ખેલાડીઓ શાનદાર રમી રહ્યા છે. પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે બેટિંગમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે શાર્દુલ ઠાકુરે બોલિંગમાં ધૂમ મચાવી હતી. બીજા દિવસે, સરફરાઝ ખાને ઝડપી સદી ફટકારી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગમાં 2-2 વિકેટ લીધી હતી.