આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે.અમદાવાદ હવે વર્ષ-૨૦૩૦માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.આ નિર્ણય ભારત અને કોમનવેલ્થ સપોર્ટસ મુવમેન્ટ માટે એતિહાસિક ક્ષણ બની રહેશે. આ નિર્ણય કોમનવેલ્થ રાષ્ટ્રોની રમતગમત પ્રત્યેની શ્રેષ્ઠતા, એકતા અને સંયુક્ત પ્રગતિના ૧૦૦ વર્ષની ઉજવણીના પ્રતિકરૂપ બની રહેશે.
બહુમાન ભારત અને અમદાવાદને પ્રાપ્ત થયું
ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશને કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે.
ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે
અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’ તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન મોદીના વિઝન અને કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું હતું કે,ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે.
ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે,આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે.અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે.


