ભારતીય ક્રિકેટ ટીમના આઇકોન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની એક ઝલક જોવા માટે તેમના ચાહકો કેટલી હદે દીવાના બની શકે છે, તેનો એક વીડિયો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યારે ધોની વડોદરામાં હતા, ત્યારે તેમની કારને જોઇને ત્રણ યુવકોએ પોતાના જીવના જોખમે જોખમી સ્ટંટ કર્યો હતો.
વડોદરામાં સ્ટંટબાજી
આ ત્રણેય યુવકોએ પોતાનું બાઇક ધોનીની કાર પાછળ પૂરઝડપે હંકારી હતી. રસ્તા પર બેફામ ગતિએ બાઇક ચલાવીને તેમણે માત્ર પોતાનો જ નહીં, પરંતુ જાહેર માર્ગ પરના અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાહકોની આ ઘેલછા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા ઉપરાંત ગંભીર અકસ્માત પણ નોતરી શકે તેમ હતી.


