IPL 2026ની મીની ઓક્શન પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો આવી ગયો છે. વાસ્તવિક હરાજી પહેલા ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને યોજેલા ‘મોક ઓક્શન’માં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ.21 કરોડમાં ખરીદ્યો છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આક્રમક વલણ દાખવતા લિયામ લિવિંગસ્ટોન અને વેંકટેશ ઐયર પર કરોડો રૂપિયા ખર્ચ્યા છે. અબુ ધાબીમાં યોજાનારી અસલી ઓક્શન પહેલા આ આંકડા ખૂબ જ રસપ્રદ છે.
અબુ ધાબી પહેલા યુટ્યુબ પર જામ્યો ઓક્શનનો માહોલ
આગામી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં IPL 2026ની મીની ઓક્શન યોજાવાની છે, જેમાં કુલ 359 ખેલાડીઓનું ભાવિ નક્કી થશે. તે પહેલા ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એક ‘મોક ઓક્શન’નું આયોજન કર્યું હતું. આ બનાવટી ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ કેવી રણનીતિ અપનાવી શકે છે તેનો અંદાજ જોવા મળ્યો હતો.
CSK એ ગ્રીન માટે તિજોરી ખોલી, KKR ને મળ્યો લિવિંગસ્ટોન
આ મોક ઓક્શનમાં સૌથી વધુ ચર્ચા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનની રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ગ્રીન માટે રૂ21 કરોડની જંગી બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ પણ તેને ખરીદવા માટે છેલ્લે સુધી જોર લગાવ્યું હતું. ગ્રીન બાદ સૌથી મોંઘો ખેલાડી ઇંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન રહ્યો હતો. ગત સિઝનમાં RCB નો હિસ્સો રહેલા લિવિંગસ્ટોનને KKR એ રૂ18.5 કરોડમાં ખરીદ્યો હતો.
KKR એ જૂના જોગી વેંકટેશ ઐયર પર ફરી ભરોસો મૂક્યો
આ હરાજીની સૌથી રસપ્રદ બાબત KKR નું આક્રમક વલણ હતું. કોલકાતાએ પોતાના જૂના સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયરને પરત મેળવવા માટે રૂ17.5 કરોડ ખર્ચ્યા હતા. ભલે આ કિંમત ગત વખત કરતા ઓછી હોય, પણ ઐયર પરનો ભરોસો યથાવત છે. આ ઉપરાંત, પૃથ્વી શો જેવા ભારતીય બેટ્સમેન માટે પણ KKR એ રૂ5.25 કરોડ ચૂકવ્યા હતા.
આ પણ વાંચો -Tilak Varma એક સુંદર નેપાળી ક્રિકેટરને ડેટ કરી રહ્યા છે?


