અબુ ધાબીમાં ચાલી રહેલી IPL 2026 મીની ઓક્શનમાં ફરી એકવાર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે કોઈ ખેલાડીના નામ સામે ₹20–25 કરોડની બોલી દેખાય છે, ત્યારે સામાન્ય દર્શકને એવું લાગે કે ખેલાડીનું ભાગ્ય ખુલ્લું છે. પરંતુ હકીકત એટલી સરળ નથી. આ “કરોડો”નો આંકડો જેટલો ચમકદાર દેખાય છે, એટલો જ જટિલ તેની પાછળનો હિસાબ છે.
કરોડોની બોલી, પરંતુ પૂરા પૈસા નહીં
ઉદાહરણ તરીકે, KKR દ્વારા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ₹25.20 કરોડમાં ખરીદવામાં આવ્યા. સાંભળવામાં આ રકમ જેકપોટ જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં ગ્રીનને આ સંપૂર્ણ રકમ મળવાની નથી. BCCIના નિયમો અનુસાર, વિદેશી ખેલાડીઓ માટે વાર્ષિક કમાણીની એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલ આ કેપ ₹18 કરોડ છે. એટલે કે, જો કોઈ વિદેશી ખેલાડી ₹20, ₹22 કે ₹25 કરોડમાં પણ વેચાય, તો તેમને મહત્તમ ₹18 કરોડ જ મળશે. હરાજીની રકમ અને આ મર્યાદા વચ્ચેનો તફાવત BCCIના કલ્યાણ ભંડોળમાં જમા થાય છે. મહત્વની વાત એ છે કે આ નિયમ માત્ર વિદેશી ખેલાડીઓ માટે છે—ભારતીય ખેલાડીઓ માટે આવી કોઈ કેપ લાગુ પડતી નથી. ટેક્સ કાતર પણ ઓછું નથી
“કુલ પગાર”
ઓક્શનમાં દેખાતી રકમ “કુલ પગાર” હોય છે, ખેલાડીના ખિસ્સામાં જતી “ઇન-હેન્ડ” રકમ નહીં. અહીં ટેક્સ મોટો ફેક્ટર બની જાય છે.વિદેશી ખેલાડીઓ પર આવકવેરા કાયદાની કલમ 115BBA હેઠળ સીધો 20% TDS કપાય છે.ભારતીય ખેલાડીઓ માટે TDSનો દર ઓછો હોય છે, પરંતુ તેમ છતાં અંદાજે 10% કાપવામાં આવે છે.આ ઉપરાંત, ખેલાડીઓને તેમના મેનેજર, એજન્ટ, પીઆર ટીમ અને વ્યક્તિગત સ્ટાફને પણ ફી ચૂકવવી પડે છે. એટલે કાગળ પર દેખાતી કરોડોની રકમ બેંક ખાતામાં પહોંચે ત્યાં સુધીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
એકસાથે પૈસા મળતા નથી
ઘણા લોકોને લાગે છે કે હરાજી બાદ ખેલાડીને આખી રકમ એકસાથે મળી જાય છે. હકીકતમાં IPL કરાર પગાર આધારિત હોય છે. ફ્રેન્ચાઇઝ આ રકમ ટુર્નામેન્ટ પહેલાં અને દરમિયાન હપ્તામાં ચૂકવે છે. આ કરાર સામાન્ય રીતે સમગ્ર સીઝન માટે હોય છે. ખેલાડી દરેક મેચ રમે કે બેન્ચ પર બેસે જો તેઓ ફિટ અને ઉપલબ્ધ હોય, તો તેમને તેમનો નક્કી કરેલ પગાર મળે છે. જોકે, ઈજા કે અન્ય કારણસર જો ખેલાડી ટુર્નામેન્ટમાંથી બહાર થાય, તો ચુકવણી કરારની શરતો પર આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં પ્રો-રેટા ધોરણે, એટલે કે જેટલી મેચ માટે ઉપલબ્ધ રહ્યા હોય તેટલી જ રકમ મળે છે.
રિટેઈન ખેલાડીઓ અને ચલણનો બદલાવ
રિટેઈન કરાયેલા ખેલાડીઓના પગાર ફ્રેન્ચાઇઝ અને ખેલાડી વચ્ચે પરસ્પર સંમતિથી નક્કી થાય છે, પરંતુ કરવેરાના નિયમો તેમના પર પણ એ જ રીતે લાગુ પડે છે.એક વધુ મહત્વનો ફેરફાર એ છે કે IPLમાં હવે તમામ નાણાં વ્યવહારો ભારતીય રૂપિયા (INR)માં થાય છે. 2014 પહેલાં ડોલરમાં ચુકવણી થતી હતી, પરંતુ હવે જો કોઈ ટીમ ₹20 કરોડ ખર્ચે છે, તો ખેલાડીને ચુકવણી પણ રૂપિયા માં જ મળે છે.
આ પણ વાંચો : IPL 2026 : પ્રીતિ ઝિન્ટા IPLમાંથી કરે છે કરોડોની કમાણી! જાણો તેની કુલ સંપત્તિ


