ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. તેની સાથે જ 15 સભ્યોની સ્ક્વોડ પોતાની તૈયારીમાં જોતરાઈ ગઈ છે. જોકે ટી20 ફોર્મેટમાં પહેલાથી જ ભારતીય ટીમના ખેલાડીઓની સારી એવી પ્રેક્ટિસ થઈ રહી છે. હજુ હાલમાં જ ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝ જીતી, એ પહેલા ઓસ્ટ્રેલિયાને પણ સિરીઝમાં મ્હાત આપી. જે દર્શાવે છે કે, ટી20 વર્લ્ડ કપ 2026ની ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ કેવા શાનદાર ફોર્મમાં છે. જોકે ટી20 વર્લ્ડ કપ શરૂ થાય એ પહેલા ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ રમશે. ત્યારે સવાલ એ છે કે, આ સિરીઝ દરમિયાન ઓપનિંગ કોણ કરશે? કેમ કે ભારત પાસે હાલ 3 વિકલ્પ ઉપસ્થિત છે.
ભારત માટે ઓપનિંગ માટે ત્રણ દાવેદાર
BCCI તરફથી ટી20 વર્લ્ડ કપ માટે અત્યારથી જ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન એક જ ટીમ રમતી જોવા મળશે. આ ટીમમાં ભારત માટે ઓપનિંગ કરનાર ત્રણ દાવેદાર છે. તેમાંથી બે તો વિકેટકીપર છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન સિવાય ઈશાન કિશનને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ઈશાન કિશન હજુ કેટલાક દિવસ પહેલા જ સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની ફાઈનલમાં જોરદાર સદી ફટકારીને આવ્યો છે. પરંતુ તેને આ સિરીઝમાં તક મળશે કે નહીં, તે કહી શકાય નહીં.
ઈશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે
માનવામાં આવી રહ્યું છે કે, અભિષેક શર્મા સાથે સંજુ સેમસન જ ઇનિંગની શરૂઆત કરશે, કેમ કે તે બંને પહેલા પણ આ કામ કરી ચૂક્યા છે. ઈશાન કિશન લાંબા સમય પછી ઇન્ડિયામાં કમબેક કરી રહ્યો છે. જ્યારે અભિષેક કે સંજુ બેમાંથી એક ઈજાગ્રસ્ત થાય ત્યારે જ તેને તક મળી શકશે. જો એવું ન થયું તો ઈશાન કિશન ટીમની સાથે જ રહેશે, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે કે નહીં, તેની શક્યતા ખૂબ ઓછી છે.
ઈશાન કિશન એક પણ સદી ફટકારી શક્યો નથી
આ વચ્ચે જો આંકડા પર નજર કરીએ તો સંજુ અને અભિષેકનું પલડું ભારે છે. અભિષેક અત્યાર સુધી 33 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 1115 રન બનાવી ચૂક્યો છે, તેના નામે બે સદી અને છ અડધી સદી છે. જ્યારે તેની સ્ટ્રાઇક રેટ 188ની નજીક છે. સંજુની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 52 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમીને 1032 રન બનાવ્યા છે. તેમાં 3 સદી અને ત્રણ અડધી સદી પણ સામેલ છે. તેની સ્ટ્રાઇક રેટ 148ની આસપાસ છે. જ્યારે ઈશાન કિશને અત્યાર સુધીમાં 32 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમીને 796 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 124ની નજીક છે. ઈશાન કિશન એક પણ સદી ફટકારી શક્યો નથી, પરંતુ તેના નામે છ અડધી સદી છે.


