ધોરાજીના ખેડૂતો પાયમાલ તૈયાર પાક પર કમોસમી વરસાદનો કહેર!
આખા વર્ષની મહેનત પાણીમાં, સરકાર પાસે વળતરની પોકાર
અગ્ર ગુજરાત, ધોરાજી
ધરતીને ખોળે રાખીને આખું વર્ષ પરસેવો પાડતા ખેડૂતોની મહેનત પર કુદરતે ફરી પાણી ફેરવી દીધું છે. ધોરાજી પંથકમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને ધૂળધાણી કરી નાખી છે. ખેતરમાં લહેરાતો અને લણણી માટે તૈયાર થયેલો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ધરતીપુત્રો સામે આર્થિક સંકટ ઊભું થયું છે. ક્યારેક વરસાદની રાહ જોતા ખેડૂતો આજે એ જ વરસાદથી પોતાના પાકને બચાવવા મજબૂર બન્યા છે. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી સહિતના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ જોવા મળી રહી છે. ખેડૂત માટે ખેતરમાં ઊભેલો પાક માત્ર પાક નથી હોતો, પરંતુ આખા વર્ષની મહેનત, પરિવારની આશા અને આગામી દિવસોના ગુજરાનનો આધાર હોય છે. બિયારણથી લઈને ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જ્યારે પાક તૈયાર થયો હતો, ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. જે ખેતરોમાં થોડા દિવસ પહેલાં સારા પાકને જોઈને ખેડૂતોના ચહેરા પર ખુશી હતી, ત્યાં આજે નુકસાનની ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં ખેડૂતોની મુશ્કેલીઓનો જાણે અંત જ આવ્યો નથી. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા વાવેતર અને પાકને બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ક્યાંક પાણીના અભાવે પાક સુકાવાની ચિંતા હતી, તો ક્યાંક મોંઘા ખર્ચે પાકને જીવંત રાખવા ખેડૂતો દિવસ-રાત મહેનત કરતા હતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતોએ પોતાનો પાક બચાવ્યો, પરંતુ હવે જ્યારે પાક હાથમાં આવવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે તેમની આશાઓને ફરી એકવાર આંચકો આપ્યો છે.
ખેડૂતોની વેદના એ છે કે ખેતી માટે લીધેલા ઉધાર અને કરેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે કરવી? પાક વેચીને દેવું ચૂકવવાની અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની આશા રાખી હતી, પરંતુ તૈયાર પાક જ વરસાદમાં પલળી જતાં હવે આખું વર્ષ કેવી રીતે પસાર કરવું તેવો સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. એક તરફ ખેતીનો વધતો ખર્ચ અને બીજી તરફ પાકની બરબાદી… આવી સ્થિતિમાં ધરતીપુત્રો માટે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે કેટલાક જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ રાજકોટ જિલ્લાનો તેમાં સમાવેશ ન થતાં ખેડૂતોમાં અગાઉથી જ ચિંતા જોવા મળી રહી હતી. હવે કમોસમી વરસાદે તેમની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. કુદરતની બેવડી માર વચ્ચે ફસાયેલા ખેડૂતોને હવે સરકારના સહારાની આશા છે.


