આવતીકાલથી રાજકોટના NSIC ગ્રાઉન્ડમાં 10મા ‘Rajkot Machine Tools Show 2026’નો પ્રારંભ
25 થી 28 નવેમ્બર દરમિયાન યોજાનારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં 14થી વધુ દેશોની કંપનીઓ અને 50,000થી વધુ મુલાકાતીઓ જોડાવાની અપેક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેડ ઈન ઈન્ડિયા’ના અભિયાન વચ્ચે રાજકોટના NSIC ગ્રાઉન્ડ (આજી જી.આઈ.ડી.સી.) ખાતે તા. 25 થી 28 નવેમ્બર, 2026 દરમિયાન 10th Rajkot Machine Tools Show 2026નું આયોજન કરવામાં આવ્યું છે. મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન – રાજકોટ તથા K AND D Communication Ltd. – અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ પ્રદર્શનમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોજીંગ અને ફાઉન્ડ્રી સહિતના વિવિધ વિભાગોની અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજી રજૂ થશે.
વર્ષ 2006થી શરૂ થયેલો આ શો ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટું એક્ઝીબીશન છે, તેમજ ઓપન ગ્રાઉન્ડમાં સૌથી મોટું પ્રદર્શન ગણાય છે. 50,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં ભારત સહિત યુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા, યુ.કે., તુર્કી, સ્પેન, તાઈવાન, ચાઈના, જાપાન, કોરિયા, યુ.એ.ઈ., થાઈલેન્ડ અને સિંગાપોર જેવા દેશોની કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ચાર દિવસીય પ્રદર્શનમાં 50,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
આ પ્રદર્શનમાં એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ઉપયોગી એવા લેથ મશીન, સી.એન.સી. (CNC) મશીન, વી.એમ.સી. (VMC) મશીન, મિલિંગ મશીન, શેરિંગ મશીન, સ્લોટિંગ મશીન, પ્લાનિંગ મશીન, ડ્રીલ મશીન, ગ્રાઈન્ડિંગ મશીન અને હેકસો મશીન. પાવર પ્રેસ, હાઈડ્રોલિક પ્રેસ, પ્રેસ બ્રેક, વેલ્ડિંગ મશીન, પ્લેટ બેન્ડિંગ મશીન, વાયર પ્રોડક્ટ મશીન, વુડ વર્કિંગ મશીન તથા સ્પેશિયલ પર્પઝ મશીન સહિતના વિવિધ મશીનો નિહાળવા મળશે.
આ પ્રદર્શનને સફળ બનાવવા મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન – રાજકોટના પ્રમુખ યોગીનભાઈ છનીયારા, ઉપ-પ્રમુખ હરેશભાઈ પટેલ, સેક્રેટરી તેજસભાઈ દુદકિયા, જો. સેક્રેટરી દેવલભાઈ ઘોરેચા, ખજાનચી કનકસિંહ ગોહીલ તેમજ ડાયરેક્ટરો સચિનભાઈ નગેવાડીયા, બીજેશભાઈ સાપરીયા, કરણભાઈ પરમાર, અશ્વિનભાઈ કવા, કેતનભાઈ ગજેરા, બીપીનભાઈ સિદ્ધપુરા, ઘનશ્યામભાઈ પરમાર, હરેશભાઈ ડોડીયા, રવીભાઈ મારૂ અને વિમલભાઈ કંટારીયા કાર્યરત છે. સાથે જ K AND D Communication Ltd. (અમદાવાદ)ના કમલેશભાઈ ગોહીલ, અમિતભાઈ મિસ્ત્રી અને તેમની ટીમ સક્રિય જહેમત ઉઠાવી રહ્યા છે.


