ઉપલેટામાં ૧.૯૦ લાખના ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ઓરિસ્સાથી વેચાણ અર્થે લાવેલ ૩ કિલો ૮૧૬ ગ્રામ ગાંજા સાથે તહોમતદારની ધરપકડ
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ‘સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતા. તે દરમિયાન સ્ટાફના બાતમીદાર દ્વારા ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળી હતી કે ઉપલેટામાં એમ.ડી. સ્કૂલ પાસે આવેલ મચ્છી માર્કેટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો એક શખ્સ પોતાના કબજામાં ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખીને બેઠો છે.
આ બાતમીના આધારે પોલીસે નિયમોનુસારની પ્રાથમિક કાર્યવાહી કરી બે સરકારી પંચોને સાથે રાખીને ઉપરોક્ત મકાનમાં રેડ કરી હતી. આ દરોડા દરમિયાન ભાડાના મકાનમાં રહેતા ઇમરાન ઉર્ફે જાવલો સીદ્દીકભાઈ કારવા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. મકાનની તલાશી લેતા લાકડાના કબાટમાંથી ખાખી સેલોટેપ વીંટાળેલા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા સ્થળ પર જ આ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવતા તે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનું સાબિત થયું હતું. પોલીસે સ્થળ પરથી ૩ કિલો ૮૧૬ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, એક મોબાઈલ ફોન અને અન્ય પુરાવાઓ મળી કુલ રૂપિયા ૧,૯૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા તહોમતદારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ માદક પદાર્થ ઓરિસ્સા રાજ્યના બાલાસોર જિલ્લાના કાંગસા ગામના એક વ્યક્તિ પાસેથી ટ્રેન મારફતે ઉપલેટામાં છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હોવાનું કબૂલ્યું છે. આ પકડાયેલ ઇસમ વિરુદ્ધ અગાઉ પણ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


