હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
આપણો દેહ પણ એક રથ છે : ભાગવત
સૌથી મોટું દાન પ્રેમદાન છે
ગાથા નિવજ ગુરૂથી મળે, કથા ત્રિભુવન ગુરૂથી મળે છે
આફ્રિકા-કેન્યા-કેરિચોની પ્રાકૃતિક સૌંદર્ય મંડિત ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથાના ત્રીજા પડાવે (ગઇકાલે) કથા પ્રારંભે પ્રિય બાપુની રામકથાઓની પ્રકાશન શ્રેણીમાં જામનગરની ભૂમિ પર ગવાયેલી રામકથા ‘માનસ ક્ષમા’ (સં.નીતિન વડગામા) પુસ્તિકાનું વ્યાસપીઠ પરથી લોકાર્પણ થયું હતું. કથાના પ્રેમ સંવાદને આગળ વધારતા બાપુએ કહ્યું કે કઠોપનિષદનો એક મંત્ર છે, જેમાં રથનો સંદર્ભ છે. એ શ્લોક આપ સૌ પણ બોલજો..
આત્માનમ રથિનમ વિધ્ધિ શરીરમ રથએવચ
બૃધ્ધિમત સારથિમ વિધ્ધિ મન: પ્રગહમેવ ચ ઇન્દ્રાણી
હયાનામ વિષયાસેસ્તુ….
એટલે કે સાધક! તારા આત્માને રથિ સમજ અને શરીર (દેહ) રથ છે બૃધ્ધિ સારથી અને મન લગામ છે. ઇન્દ્રીયોરૂપી ઘોડા છે.
આ રથયાત્રા તત્વત: અંતરયાત્રા છે, દરેક રથયાત્રા લકીર હોય છે પણ આ માનસ (હૃદય)ની યાત્રા અંતરયાત્રા છે. લંકાકાંડમાં તુલસીજી જે ધર્મરથ બતાવે છે એનો સારથિ ઈશ્વર ભજન છે. નિરંતર ઈશ્વર સ્મરણથી આપણને સુખ મળે છે. સુખ ચાર પ્રકારના છે ૧) બૌઘ્ધિક સુખ (૨) માનસિક સુખ (3) ચૈતસિક સુખ અને અહંકારિક-અભિમાનીક સુખ. કોઈના શબ્દો સાંભળી આપણને માનસિક સુખ મળે છે. વિદ્વાનોને બૌઘ્ધિક સુખ મળે છે જ્યારે ચૈતસિક સુખ યોગ દ્વારા મળે છે. અહંકારીક સુખ એટલે મારી પસે આટલો પૈસો છે, હું બળવાન છું, તેજસ્વી છું, સમર્થ છું, મેં આટલા પૂજાપાઠ કર્યા છે, મેં આટલી કથાઓ સાંભળી છે, મેં આટલી કથાઓ કરી છે- આ બધા અહંકારીક સુખ છે કેટલીક ક્ષમતાઓનું અભિમાન એ અહંકારિક સુખ છે.
અયોઘ્યાના રામમંદિરની ઘટના વિશે બાપુએ વ્યથા સાથે કહ્યું કે, રામ કેટકેટલા મૂલ્યો સાથે અયોઘ્યામાં આવ્યા ને હવે આજે એ મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. એક સત્ય ઘટના તમને કહું-અમરેલીની આજુબાજુનું એક ગામ (મને ગામનું નામ યાદ નથી આવતું) ત્યાં ગામલોકોએ મંદિર નિર્માણ કરવાનું નક્કી કર્યું, એના માટે ફાળો એકઠો કર્યો, મંદિર માટે જમીન નક્કી થઈ, હવે મંદિર માટે જે જમીન હતી તેની પાછળ એક ખેડૂતની જમીન હતી એ ખેડૂત જો પાછળના ભાગની થોડીક પંદર-વીસ ફૂટ જગ્યા આપે તો મંદિરની આસપાસ પરિક્રમા સારી રીતે થઈ શકે. બધા પેંલા ખેડૂત પાસે ગયા અને કહ્યું કે ભાઈ, આપણા ગામનું મંદિર બની રહ્યું છે એમાં પાછળના ભાગમાં તમારી જમીનમાંથી થોડીક જમીન આપો, અત્યારે જમીનનો જે ભાવ ચાલતો હોય એ ભાવે અમે તમને પૈસા આપીશું. ત્યારે ખેડૂત બોલ્યો: અરે, મંદિર માટે જમીન જોઈએ છે અને હું પૈસા માગુ? હું સનાતન ધર્મનો માણસ છું, તમતમારે જોઈએ એટલી જમીન લઈ જાઓ, પણ એક પૈસોય મારે નથી જોતો! બધાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે વાતને ટાળવા માટે એ ખેડૂતે કહ્યુ કે: તમે મંદિરનું કામ શરૂ તો કરો પછી જોશું! હવે મંદિરનું કામ શરૂ થયું ત્યારે પૈલા ખેડૂતની જમીનનો ભાગ હતો ત્યાં ખોદકામ કરતા એક ત્રાંબાનું માટલુ નિકળ્યું ને એ માટલામાં બસ્સો-ત્રણસો ચાંદીના સિક્કા નિકળ્યા. મંદિર નિર્માણમાં સેવારત કાર્યકરો-સ્વયંસેવકો એ માટલુ લઈને પૈલા ખેડૂત પાસે જાય છે અને કહે છે કે આ તમારી હદની જમીનમાંથી ચાંદીના સિક્કાનું માટલુ મળ્યું છે એ તમને સોંપવા આવ્યા છીએ. ત્યારે એ ખેડૂત કહે છે એ મંદિર માટે જ તમે રાખો. કેમ કે જો મારા ભાગ્યમાં હોત તો હું કેટલા વર્ષોથી ખેતર ખેડું છું તો ત્યારે મને કેમ ન મળ્યું? એ હવે મારા હક્કનું નથી. એ ગામના લોકોએ મને વાત કરી કે, બાપુ તમે અમારા મંદિરના દર્શન કરવા આવો. મેં કીધું કે મને મંદિરે નહીં પેલા મને એ ખેડૂતભાઈની પાસે લઈ જાઓ. હું ગયો, એ કિશાનને મળ્યો મેં કીધું કે ભાઈ, તેં તો ગજબ કર્યું! ત્યારે એ ખેડૂત બોલ્યો: સવાલ જ નથી, બાપુ! સીધી વાત છે એ માટલા પર મારો કોઈ અધિકાર નથી! બાપ, આ છે દેવદ્રવ્ય ને આજે અયોઘ્યા-રામ મંદિશ્રના દેવદ્રવ્યની ચોરી થાય છે… ખેર….
પ્રશ્ન: બાપુ, ગાથા અને કથા વચ્ચે શું ફરક? જવાબ: ગાથા લખાય, કથા કહેવાય-જણાય. ગાથાનું કેન્દ્ર ભાષા છે, કથાનું કેન્દ્ર ભાવ છે, ગાથા નિબંધ છે- કથા સંબંધ બાંધે છે. ગાથાની સીમા હોય, કથા અનંત હોય છે, ગાથાનું પૂજન થાય, કથાનું સેવન થાય-કથા રસાયણ છે, ગાથા સ્વાત: સુખાય છે, કથા સર્વને સુખ આપે છે, ગાથા મંગલકારી છે, કથા કલીમલહારી છે.
કથારત્નો
૧) કેટલીક ક્ષમતાઓનું અભિમાન એ અહંકારિક સુખ છે.
૨) જી દીયે મેં તેલ કો ખૈરાત કા, ઉસ દિયે કો જલાના નહીં ચાહીએ!
3) હું જીવણદાસ મહેતાનું સંતાન છું, હું નેતા નથી, અભિનેતા નથી, મહેતા છું.
૪) પૂણ્યથી પાપ મટે છે પણ પૂણ્યનું અભિમાન નથી છુટતું
૫) સારથિ હરાવી પણ શકે અને જીતાડી પણ શકે


