મોરબીના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી ૪ હજાર વીઘામાં થયેલી વાવણીમાં વિનાશનો ભય
કપાસ, મગફળી અને એરંડાના પાકને નુકસાન: રસ્તા પર ફરી ઉતર્યા ખેડૂત: તંત્રના આયોજન સામે નારાજગી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ હજારો વીઘા ખેતી પાણીમાં ગરકાવ થવાની ભીતિ ઊભી થઈ છે. અજિતગઢ ખોડ, જોગડ, માયાપુર અને ઈગોરાળા ગામોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં કપાસ, મગફળી અને એરંડાના પાકને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અજિતગઢ ખોડ અને જોગડ ગામોની આસપાસની અંદાજે 4 હજાર વીઘા ખેતી વરસાદી પાણીમાં સપડાઈ છે. પાણી લાંબા સમય સુધી ખેતરોમાં ભરાઈ રહેતાં ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
માયાપુર અને ઈગોરાળા ગામ તરફથી આવતું વરસાદી પાણી સીધું ખેતરોમાં ફરી વળતાં કપાસ, મગફળી અને એરંડાના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો હજારો વીઘા પાક સંપૂર્ણપણે નાશ પામશે.
સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નાળા યોગ્ય જગ્યાએ ન બનાવાતા દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. તંત્રની બેદરકારીના કારણે ખેતીને વારંવાર નુકસાન ભોગવવું પડે છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.
સમસ્યાના ઉકેલની માંગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને ‘જય જવાન, જય કિસાન’ ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે, યોગ્ય સ્થળોએ નાળા બનાવવામાં આવે અને પાકને થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે.


