રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
મારૂ વૈકુંઠ મારી વ્યાસગાદી છે
કથાથી પરમસુખની પ્રાપ્તિ થાય છે, ‘પરમ’ એટલે અંતિમ શિખર
દૂસરો કો ‘દૂજા’ ન સમજે વો ‘જાદૂ’ હૈ! (અભેદ)
અવધૂત શિરોમણી-પરમહંસ સુકદેવજીની ભાગવદભૂમિ અને અનેક ઋષિ મુનિઓ, સંતો, સાધુઓની સાધનાભૂમિ તથા ભાગિરથી ગંગામા ના તટ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સુકતીર્થ’ના પાંચમા દિવસે કથાના પ્રેમસંવાદમાં પ્રવેશ કરતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે રાજા પરિક્ષિતે સુકદેવજી સન્મુખ સાત દિવસ ભાગવદ કથા સાંભળી ત્યારે સુકદેવજી પરિક્ષિત ને પૂછે છે કે હે રાજન! તમને કથા શ્રવણ દરમ્યાન શું પ્રાપ્ત થયું? ત્યારે પરિક્ષિત પ્રત્યેક દિવસે શું શું પ્રાપ્ત થયું તેનો સંવાદ કરે છે. પરિક્ષિત કહે છે : મહારાજ મને કથાના પ્રથમ દિવસે ગુણવર્ધન-ગુણ વિકાસ પ્રાપ્તિ થઇ છે. સંસ્કૃતમાં ગુણને બંધન કહ્યો છે. પણ અહિ ગુણવર્ધન એટલે જેમ યજ્ઞની શિશ ઉપર આકાશ તરફ ગતિ કરી અને પછી આકાશમાં વિલિન થઇ જાય છે એ અર્થમાં પરિક્ષિત ઉર્ધ્વ થયા છે. બીજો દિવસ: સિમીત સમયમાં સિનીત સાધનથી લક્ષ્યપ્રાપ્તિ થઇ છે. સિમીત સાધન કયુ? શ્રવણ સાત દિવસ નિરંતર કથાશ્રવણથી લક્ષ્યની પ્રાપ્તિ, પરિક્ષિતનો થઇ છે. ત્રીજો દિવસ પરિક્ષિત કહે છે મહારાજ, મારામાં સેવાભાવ જાગૃત થયો છે. જે ખૂબ જ કઠિન છે. એક લાખ રૂપિયાનું દાન કરવું સહેલું છે પણ સેવા કરવી એ ખૂબ જ અઘરૂ છે. સેવામાર્ગ સરળ નથી. કોઇની સેવા કરવીએ જાગૃતિનું કામ છે. પરિક્ષિતમાં સેવાભાવ જાગૃત થયો છે.
ચોથો દિવસ : જીવનની પ્રત્યેક ઇન્દ્રીયોમાં સંયમ આવે છે. પાંચમો દિવસ: પરિક્ષિત કહે છે કે મારામાં અહિંસાની પ્રતિષ્ઠા થઇ છે. હિંસાના વિચારોમાંથી મુકત થયો છું. કથા સાંભળવાથી અહીંસા જન્મે છે. છઠ્ઠો દિવસ: અશ્રૃ પ્રાપ્તિ. પરિક્ષિત કહે છે કે કથા સાંભળવાથી મને આંસુઓ (ગદગદ ભાવ) મળ્યા છે અને સાતમો દિવસ પરિક્ષિત કહે છે. મહારાજ, કથાના અંતિમ દિવસે મને પરમ સત્યની પ્રાપ્તિ થઇ છે. આમ પરિક્ષિત રાજાએ સાતે સાત દિવસ જે મેળવ્યું એનું સુકદેવજી સન્મુખ નિવેદન કરે છે.
કૃષ્ણ કહે છે તે સત્ય છે એ જે કૈં કહે એ સત્ય છે પણ કૃષ્ણ સ્વયં પરમ સત્ય છે. એમ રામ, શિવ જે કહે તે સત્ય છે ત્યારે રામ સ્વયં પરમ સત્ય છે. શિવ સ્વયં પરમ સત્ય છે. ‘પરમ’ એટલે અંતિમ શિખર એનાથી ઉપર કશું જ નથી! પતંજલિ કહે ધ્યાન સત્ય છે અને સમાધિ પરમ સત્ય છે. કોઇપણ ભગવદકથાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મસુખ મળે છે. બ્રહ્મ શું છે? એક જ છે, પણ એના પાંચ સ્વરૂપ છે. તૈતરીય ઉપનિષદમાં એના શ્લોકમાં બ્રહ્મના પાંચ રૂપ દર્શાવાયા છે. (૧) અન્નબ્રહ્મ આપણે ત્યાં અન્નને બ્રહ્મનો દરજ્જો અપાયો છે. (૨) પ્રાણ બ્રહ્મ-પ્રાણને પણ બ્રહ્મ કહ્યો છે અને આ પ્રાણ અન્ન આધારિત છે. (3) મન બ્રહ્મ-આપણું મન પણ બ્રહ્મ છે. મન વિશે તો કેટકેટલું કહેવાયું લખાયું બોલાયું છે. ઓશો કહે છે આપણા મનને જયાં ન જવાનું કહો તો એ પહેલા ત્યાં જ પહોંચી જશે. એ માટે ઓશો એક દ્રષ્ટાંત આપે છે કે એક બગીચામાં પતિ-પત્ની કોફી પી રહ્યા હતાં અને એનું નાનુ બાળક બાગમાં રમતું હતું. કોફી પીતા પીતા પતિ-પત્ની વાતો કરી રહ્યાં છે. એવામાં એનું બાળક રમતું-રમતું દૂર જતું રહ્યું! પતિ-પત્ની તો ચિંતામાં પડી ગયા. બગીચાની એક દિશા તરફ પત્ની ગઇ, બીજી દિશા તરફ પતિ ગયો, બાળકની શોધમાં ખૂબ મથે છે પણ બાળક ઝડતું નથી ત્યારે પતિએ પત્નીને પૂછયું કે તે દિકરાને એવું કહ્યું હતું કે આ જગ્યાએ ન જતો! પત્ની કહે હા, મેં કીધું તું કે ફૂવારા પાસે ન જતો. પતિ બોલ્યો: તો જા ફૂવારા પાસે જ આપણો દીકરો રમતો હશે! આ દ્રષ્ટાંતનો અર્થ એ કે આપણું મન જયાં જવાનું કહો ત્યાં પહેલા જ પહોંચી જતું હોય છે. (૪) વિજ્ઞાન બ્રહ્મ-આપણા શાસ્ત્રોએ વિજ્ઞાનને પણ બ્રહ્મ ગણ્યું છે અને છેલ્લે (૫) આનંદ બ્રહ્મ આનંદ પણ બ્રહ્મ ગણાય છે.
ફેહમી બદાયુનીનો કેટલાક શેર છે, સાંભળો…
બસ વહી ઇમ્તિહાન મેં પાસ હુએ,
જો તેરે આસપાસ બૈઠે થે
હમ તેરે ગમ કે પાસ બૈઠે થે!
તો દૂસરે ગમ ઉદાસ બૈઠે થે,
દોસ્તોને હસા દિયા આકર,
અચ્છે ખાસ્સે ઉદાસ બૈઠે થે!
કથારત્નો
(૧) દર્શન દૂરથી થાય જયારે અર્ચન પાસે બેસીને-નિકટ બેસીને કરાય
(૨) ઉપાસના થકી વાસના છૂટે છે
(3) મીઠા મધુરા મન ગમતા પણ બંધન અંતે બંધન છે,લઇ જાયે જનમના એ ચકરાવે એવું એ અવલંબન છે!
(૪) જીનકે શ્રાવસ સમુદ્ર સમાના, કથા તુમ્હારી સુભગ સહિનાના-રામચરિત માનસ
(૫) પરિક્ષિત એ છે જે ચારે તરફ જુએ છે, પરિક્ષિત વૃધ્ધ નથી. એટલે એને જરા-વ્યાધિ નથી


