લાલપુરના નાની રાફુદડ ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ હત્યા નિપજાવી હતી: કોર્ટનો ચૂકાદો
અગ્ર ગુજરાત, જામનગર
જામનગરના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામે વર્ષ ૨૦૨૩માં બનેલા ચકચારી હત્યા કેસમાં લાલપુર પોલીસની સચોટ અને સમયબદ્ધ તપાસને પરિણામે અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. લગ્નની લાલચ આપી યુવતીને ભગાડી ગયા બાદ તેની ક્રૂર હત્યા કરનાર આરોપી ભાવેશ સોનગરાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પોલીસની ટીમને સફળતા મળી છે.
આ ગંભીર ગુનાની તપાસ લાલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.એન. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમની સાથે રાઇટર લાખાભાઈ સોઢીયા, સંદીપભાઈ હુંણ તથા રવિભાઈ આંબલીયાની ટીમે રાત-દિવસ એક કરીને મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીની માર્કશીટ, જન્મનો દાખલો અને આઈ.ડી. પ્રૂફ જેવી વસ્તુઓ કબજે કરી હતી, જેનાથી ગુનાના સ્થળે આરોપીની હાજરી નિર્વિવાદ પણે સાબિત થઈ હતી. વધુમાં, તપાસનીશ ટીમ દ્વારા એકત્ર કરાયેલા આરોપીના કપડાં અને હત્યામાં વપરાયેલા ચાકુ પરથી ભોગ બનનારના લોહીના નમૂના એફ.એસ.એલ. (FSL) રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા હતા. ટેકનિકલ પુરાવામાં આરોપીનું મોબાઈલ લોકેશન પણ બનાવ સ્થળે સાબિત કરીને પોલીસે ચાર્જશીટ મજબૂત બનાવી હતી.
આ કેસ જામનગરના એડિશનલ સેશન્સ જજ મોગેરાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી ડી.આર. ત્રિવેદી રોકાયા હતા. તેમણે લાલપુર પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને આધારે ધારદાર દલીલો કરી હતી. નામદાર કોર્ટે પોલીસની તપાસ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભાવેશ સોનગરાને આઈ.પી.સી. કલમ ૩૦૨ હેઠળ આજીવન સખત કેદ અને રૂ. ૧૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત બી.પી. એક્ટ હેઠળ પણ ૬ મહિનાની સજા અને રૂ. ૧,૫૦૦નો દંડ ફટકાર્યો છે. લાલપુર પોલીસની આ સફળતાને પગલે પંથકમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. તેવું યાદીમાં જણાવાયું હતુ.


