કોરોના બાદ ડાયાબીટીસનો વિસ્ફોટ
ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા
NFHS-6ના આંકડાએ વધારી ચિંતા; 15 વર્ષથી વધુ વયના દર પાંચમાં એક પુરુષ અને દર છમાંથી એક મહિલા ડાયાબીટીસથી પીડિત
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
એક સમય એવો હતો જ્યારે ડાયાબીટીસને ‘રાજરોગ’ તરીકે ઓળખવામાં આવતો હતો અને તેને સમૃદ્ધ જીવનશૈલી સાથે જોડવામાં આવતો હતો. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. દેશમાં ડાયાબીટીસ સામાન્ય લોકોમાં ઝડપથી ફેલાતો રોગ બની ગયો છે. કોરોના મહામારી બાદના વર્ષોમાં તેની ગતિ વધુ તેજ થઈ હોવાનું રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વેક્ષણ (NFHS-6)ના તાજા આંકડાઓ દર્શાવે છે.
સર્વેક્ષણ મુજબ વર્ષ 2021થી 2024 દરમિયાન દેશમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં આશરે 6 કરોડનો વધારો નોંધાયો છે. ખાસ કરીને 15 વર્ષથી વધુ વયના લોકોમાં બ્લડ શુગરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બદલાતી જીવનશૈલી, શારીરિક શ્રમમાં ઘટાડો, વધતો માનસિક તણાવ, જંક ફૂડનું વધતું સેવન અને કોરોના પછીના આરોગ્ય સંબંધિત પડકારો તેના મુખ્ય કારણો બની રહ્યા છે.
NFHS-5 (2019-21)ના આંકડા મુજબ 15 વર્ષથી વધુ વયના 15.6 ટકા પુરુષો અને 13.5 ટકા મહિલાઓ ડાયાબીટીસ અથવા ઉચ્ચ બ્લડ શુગરની સમસ્યાથી પીડિત હતા. જોકે NFHS-6માં આ પ્રમાણ વધીને 20.9 ટકા પુરુષો અને 17.8 ટકા મહિલાઓ સુધી પહોંચી ગયું છે. એટલે કે પુરુષોમાં 5.3 ટકા અને મહિલાઓમાં 4.3 ટકાનો વધારો નોંધાયો છે.
વસ્તીના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો દેશમાં 15 વર્ષથી વધુ વયના આશરે 56 કરોડ પુરુષો છે, જેમાંથી 11.7 કરોડ પુરુષો ડાયાબીટીસથી પીડિત હોવાનું સામે આવ્યું છે. ત્રણ વર્ષ અગાઉ આ સંખ્યા 8.7 કરોડ હતી. એટલે કે માત્ર પુરુષોમાં જ લગભગ 3 કરોડ દર્દીઓનો વધારો થયો છે.
મહિલાઓમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે. દેશમાં અંદાજે 7.12 કરોડ મહિલાઓ ડાયાબીટીસથી ગ્રસ્ત છે, જ્યારે 2021માં આ સંખ્યા 5.4 કરોડ હતી. એટલે કે ત્રણ વર્ષમાં મહિલાઓમાં પણ લગભગ 1.7 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા છે.
આંકડાઓ દર્શાવે છે કે ડાયાબીટીસ હવે માત્ર વૃદ્ધોનો રોગ રહ્યો નથી. યુવા વર્ગ અને મધ્યમ વયના લોકોમાં પણ તેનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતો નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર, વજન નિયંત્રણ અને સમયાંતરે બ્લડ શુગર ચેક કરાવવાની સલાહ આપી રહ્યા છે. જો હાલની સ્થિતિ યથાવત્ રહેશે તો આગામી વર્ષોમાં ડાયાબીટીસ દેશ માટે સૌથી મોટો જાહેર આરોગ્ય પડકાર બની શકે છે. તેથી જાગૃતિ અને નિવારક પગલાં હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
ત્રણ વર્ષમાં કેટલો વધારો?
* ડાયાબીટીસના દર્દીઓમાં જંગી ઉછાળો
* 2021થી 2024 દરમિયાન 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા
* પુરુષ દર્દીઓ : 8.7 કરોડથી વધીને 11.7 કરોડ
* મહિલા દર્દીઓ : 5.4 કરોડથી વધીને 7.12 કરોડ
* કુલ દર્દીઓની સંખ્યા 18 કરોડથી વધુ
પુરુષો વધુ અસરગ્રસ્ત
* દર પાંચમાં એક પુરુષ ડાયાબીટીસનો ભોગ
* NFHS-5માં 15.6% પુરુષોને ડાયાબીટીસ
* NFHS-6માં આ પ્રમાણ 20.9% થયું
* માત્ર ત્રણ વર્ષમાં 5.3 ટકાનો વધારો
* જીવનશૈલી અને તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે
મહિલાઓમાં પણ ચિંતાજનક સ્થિતિ
* દર છમાંથી એક મહિલા ડાયાબીટીસથી પીડિત
* 2021માં 13.5% મહિલાઓ અસરગ્રસ્ત
* 2024માં આ પ્રમાણ 17.8% સુધી પહોંચ્યું
4.3 ટકાનો વધારો નોંધાયો
* ગર્ભાવસ્થા બાદના આરોગ્ય પ્રશ્નો પણ જોખમ વધારતા પરિબળ
ડાયાબીટીસ વધવાના મુખ્ય કારણો
* બદલાતી જીવનશૈલી બની રહી છે જવાબદાર
* શારીરિક શ્રમમાં ઘટાડો
* જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનું વધતું સેવન
* વધતો માનસિક તણાવ
* સ્થૂળતા અને વધતું વજન
* ઊંઘની અનિયમિતતા
બચવા માટે શું કરશો?
* નાના ફેરફારોથી મોટું રક્ષણ
* દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું
* મીઠાઈ અને ખાંડનું નિયંત્રિત સેવન
* નિયમિત બ્લડ શુગર ટેસ્ટ કરાવવો
* વજન નિયંત્રણમાં રાખવું
* તણાવ ઘટાડવા યોગ અને પ્રાણાયામ અપનાવવા
* ડોક્ટરની સલાહ મુજબ સમયસર સારવાર લેવી


