ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ
નશીલા પદાર્થ સામે અભિયાન તેજ ચલાવવા DGPનો આદેશ
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાતને નશામુક્ત બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ.મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ તેજ અને આક્રમક બનાવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી ડ્રગ્સના મોટા નેટવર્ક પર નજર રાખવામાં આવતી હતી, પરંતુ હવે નવી સૂચના અનુસાર ઓછી માત્રામાં કે નાના પાયે પકડાતા નશીલા પદાર્થોના કેસમાં પણ કોઈપણ જાતની ઢીલાશ રાખ્યા વિના કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે પોલીસ હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે NDPS એક્ટ હેઠળના ગુનાઓ શોધવા અને તેને નોંધવાની પરંપરાગત પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે માત્ર સ્પેશિયલ બ્રાન્ચ જ નહીં, પરંતુ રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ આ ઝુંબેશમાં સક્રિયપણે ભાગ લેવો પડશે અને ડ્રગ્સના ગુનાઓ શોધી કાઢવા પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે, હવે જે-તે પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સનો કોઈ ગુનો નોંધાશે, તો ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે. આ કડક નિર્ણયના કારણે સ્થાનિક સ્તરે પોલીસની જવાબદારી અને સતર્કતા બંનેમાં મોટો વધારો થશે, જેથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


