ગોંડલના ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
ગર્ભવતી પત્ની પર આભ ફાટયું : બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલના પ્રખ્યાત ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા એક 26 વર્ષના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં દમ તોડી દેતા હોસ્પિટલ પરિસરમાં પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ગોંડલના ખોડિયાર નગર નાલા પાસે રહેતો 26 વર્ષીય યુવાન હેમસીયા અતુલ ભૂપતભાઈ બપોરના સમયે ખીમોરી તળાવમાં ન્હાવા માટે ગયો હતો. ન્હાતી વખતે અચાનક જ અતુલભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને ડૂબવા માંડ્યા હતા.
આ દરમિયાન તળાવ પાસેથી પસાર થઈ રહેલા ભગવતપરાના અન્ય એક યુવાન વિનોદ મનસુખભાઈ સોલંકીની નજર ડૂબતા અતુલ પર પડી હતી. વિનોદભાઈએ તાત્કાલિક ભારે જહેમત બાદ અતુલને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને તેના પરિવારને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા યુવાનને તુરંત જ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અતુલની હાલત વધુ ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ તેને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ રીફર કર્યો હતો. પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. રાજકોટ પહોંચે અને વધુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં અતુલભાઈએ દમ તોડી દીધો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક અતુલભાઈ તેમના માતા-પિતા, પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોના વિશાળ પરિવારમાં સૌથી નાના અને લાડકવાયા હતા. તેઓ રેખાબેન નામના મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા હતા. રેખાબેનને સંતાનમાં બે દીકરીઓ છે અને તેઓ હાલ ગર્ભવતી પણ છે, ત્યારે ઘરના મોભી અને પિતાની છત્રછાયા ગુમાવતા માસૂમ બાળકો અને ગર્ભવતી પત્ની બધિર બની ગયા છે.
આ અકસ્માતની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવાનના જબાનને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યો છે.


