ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ
નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા દબાણ હટાવની કામગીરી કરાઈ
અગ્ર ગુજરાત, ગોંડલ
શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા આવતી મહિલાઓની છેડતી (રોમિયોગીરી) તેમજ મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હતો. સ્થાનિકો અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકા અને સિટી A ડિવિઝન તથા B ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી.
માંડવી ચોક શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા થળાની બહાર રાખવામાં આવેલી રેકડીઓ તેમજ માર્કેટની બહાર ઉભેલી લારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી. માર્કેટમાં ખરીદી માટે આવતા સામાન્ય નાગરિકો અને મહિલાઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે જગ્યા ખુલ્લી કરાવવામાં આવી. શહેરના અત્યંત ગીચ ગણાતા નાની બજાર અને ગુંદાળા શેરી વિસ્તારમાં દુકાનદારોએ બહાર રાખેલો સામાન, ટેબલ અને તોતિંગ ફ્રેમના બોર્ડ દૂર કરાવી સામાન દુકાનની અંદર રખાવ્યો.
આ સઘન કામગીરીમાં નગરપાલિકા ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, બંટીભાઈ દાફડા તેમજ A ડિવિઝન PI જી.એસ. ગઢવી, B ડિવિઝન PI જે.આર. ઝાલા, PSI સુરાણી, PSI સાંખટ, પોલીસ સ્ટાફ, TRB જવાનો, મહિલા પોલીસ અને નગરપાલિકાની ટીમ જોડાઈ હતી.
વેપારીઓને થડા આગળ લારીઓ ઉભી ન રાખવા અને રસ્તા પર દબાણ ન કરવા આકરી સૂચનાઓ આપવામાં આવી છે. કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે..


