3.50 લાખના વ્યાજના 8 લાખ વસૂલ્યા, છતાં ઉઘરાણીનો પીછો ન છોડ્યો
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી રિક્ષાચાલક યુવકે ઝેરી દવા ગટગટાવી : રૂ.8 લાખનું લખાણ કરાવી વધુ નાણાંની માંગણીથી કંટાળ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઊંચા વ્યાજે નાણાં આપ્યા બાદ રોજેરોજ ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવાના આક્ષેપો વચ્ચે 40 વર્ષીય રિક્ષાચાલક યુવકે જંતુનાશક દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. યુવકના આક્ષેપ મુજબ, રૂ.3.50 લાખની સામે રૂ.8 લાખનું લખાણ કરાવી લીધા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, બીજી તરફ એક મહિલા પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ પણ રોજના રૂ.1200થી વધીને રૂ.2300 સુધી પહોંચી ગયું હતું. હાલ યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા પ્રકાશભાઈ મંગાભાઈ વાઘેલા (ઉ.વ.40) રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ તેઓ ઘરે હતા ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતાં તેમને તાત્કાલિક સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબિયત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા નોંધ કરી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો.
પરિવારજનો પાસેથી મળેલી વિગતો મુજબ, પ્રકાશભાઈ બે બહેનોના એકના એક ભાઈ છે અને તેમના પરિવારમાં બે દીકરી તથા એક દીકરો છે. પરિવારની જવાબદારી તેમના માથે છે. દરમિયાન, પ્રકાશભાઈએ પોલીસ સમક્ષ કરેલા આક્ષેપ મુજબ, નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે એક વ્યક્તિ પાસેથી રૂ.3.50 લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે દરરોજ રૂ.1500 વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. લાંબા સમય સુધી રોજેરોજ નાણાં ચૂકવ્યા બાદ તેમણે વ્યાજ સહિત મોટી રકમ ચૂકવી દીધી હોવા છતાં વધુ ઉઘરાણી કરવામાં આવતી હતી. હપ્તા આપવાનું બંધ કરતાં ધાકધમકી આપી રૂ.8 લાખનું લખાણ કરાવી લેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે.
આર્થિક ભીંસ વચ્ચે વ્યાજ ચૂકવવા માટે પ્રકાશભાઈએ અન્ય એક મહિલા પાસેથી રૂ.2.30 લાખ લીધા હતા. શરૂઆતમાં આ રકમનું રોજનું રૂ.1200 વ્યાજ ચૂકવવાનું હતું, પરંતુ સમય જતાં વ્યાજની માંગણી વધારીને રોજના રૂ.2300 કરી દેવામાં આવી હતી. આટલી મોટી રકમ રોજ ચૂકવવી શક્ય ન બનતાં મહિલા તરફથી પણ ઉઘરાણી અને ત્રાસ શરૂ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
એક તરફ જૂના નાણાંની ઉઘરાણી અને બીજી તરફ રોજેરોજ વધતા વ્યાજના બોજા વચ્ચે પ્રકાશભાઈ આર્થિક તથા માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને અંતે ઝેરી દવા પી લેવાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે યુવકનું નિવેદન નોંધી વ્યાજખોરો સામે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે. હાલ પ્રકાશભાઈની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


