મોરબી જેલમાં મંદિર અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ૨ મોબાઈલ મળ્યા
જેલની સુરક્ષા સામે ફરી ઉઠેલા ગંભીર સવાલો
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજકોટ ઝોન જેલ ડીઆઈજી ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સુબેદાર કાનજીભાઈ સાંબડ અને તેમની રેડ પાર્ટીએ જેલમાં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ. બાબરીયાની હાજરીમાં કરાયેલી આ સઘન તપાસ દરમિયાન જેલના બે અલગ-અલગ સ્થળોએથી બિનવારસી હાલતમાં બે કીપેડ મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.
તપાસ દરમિયાન સર્કલ નંબર-૧ ના મંદિરમાં લટકાવેલી લાલ થેલીમાંથી HMD કંપનીનો અને સર્કલ નંબર-૨ ની બેરેક લોબીના ઇલેક્ટ્રિક બોર્ડના વાયરિંગમાંથી Snexian Bold કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો. આ મામલે બેરેકમાં હાજર ૪૨ જેટલા કેદીઓની કડક પૂછપરછ કરવા છતાં કોઈએ મોબાઈલની માલિકી સ્વીકારી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક સપ્તાહ પહેલા જ જેલમાંથી પાન-બીડી જેવો પ્રતિબંધિત સામાન મળ્યો હતો, ત્યારે ફરી મોબાઈલ મળી આવતા જેલની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ચકચારી ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSS કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને મોબાઈલ જપ્ત કરાયા છે. જેલની ચુસ્ત સુરક્ષા વચ્ચે આ મોબાઈલ અંદર કેવી રીતે પહોંચ્યા અને તેમાં જેલના જ કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


