વીજપોલ મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ: ખેડૂતોના સમર્થનમાં સ્કૂટર રેલી યોજી
મોરબીના સનાળા રોડથી જેતપર ઉપવાસી છાવણી સુધી મહિલાઓનું શક્તિ પ્રદર્શન; ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી રેલી કાઢવાની ચેતવણી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીના જેતપર ગામમાં ખાનગી વીજ કંપની દ્વારા ઊભા કરાતા વીજપોલ અને તેના બદલામાં મળતા નજીવા વળતરના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ગત 18 જૂનથી શરૂ થયેલા આ આમરણાંત ઉપવાસ આંદોલનને 28 જૂને 11 દિવસ વીતી ગયા હોવા છતાં સરકાર કે ખાનગી કંપની દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોના સમર્થનમાં હવે મહિલાઓ પણ આગળ આવી છે. મહિલાએ રેલી યોજી હતી અને મોરબીના સનાળા રોડ પર આવેલા નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે ચાલતી ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણી સુધી એક વિશાળ સ્કૂટર રેલીનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્કૂટર રેલીમાં મોરબી શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તારો તેમજ મહેન્દ્રનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના વાહનો સાથે જોડાઈ હતી. ખેડૂતો પોતાના હક માટે જે લડત લડી રહ્યા છે, તેમાં અંત સુધી સાથ આપવાની મહિલાઓએ જાહેરાત કરી છે.
જ્યારે આ રેલી જેતપર ગામે ખેડૂતોની ઉપવાસી છાવણીએ પહોંચી, ત્યારે વાતાવરણ સૂત્રોચ્ચારોથી ગુંજી ઉઠ્યું હતું. મહિલાઓએ “જય જવાન જય કિસાન” અને “ગામની જમીન ગામની, નથી કોઈના બાપની” જેવા જોરદાર સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોની માગને બળ પૂરું પાડ્યું હતું.
મહિલા આગેવાનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ રેલી બાદ પણ સરકાર કે તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો તાકીદે સુખદ ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જેતપરથી ગાંધીનગર સુધીની ભવ્ય સ્કૂટર રેલી યોજીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


