‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ
યુવાનો નશાના રવાડે ચડી ભવિષ્ય બરબાદ ન કરે : એસપી
અગ્ર ગુજરાત, મોરબી
દેશના યુવાધનને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વ્યસનથી બચાવવા માટે શરૂ કરાયેલા ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત અમદાવાદથી નીકળેલી વિશેષ બાઈક રેલી મોરબી પહોંચી હતી. મોરબી પોલીસ અને સ્થાનિક રાઈડર્સે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ફરીને આ અભિયાન યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવાનો સંદેશ આપી રહ્યું છે.
આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે જણાવ્યું હતું કે, યુવાનો ડ્રગ્સના રવાડે ચડી પોતાનું ભવિષ્ય બરબાદ ન કરે તે માટે આ અભિયાન અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે મોરબી સહિત સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે ડ્રગ્સના વેચાણ કે ઉપયોગ અંગે કોઈપણ માહિતી મળે તો પોલીસને ગુપ્ત રીતે જાણ કરવી. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મોરબી પોલીસ અને એસઓજીની ટીમ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા સતત કામગીરી કરી રહી છે.
બાઈક રેલીના સભ્ય જયપાલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં 10 રાઈડર્સ સહિત કુલ 35 સભ્યોની ટીમ જોડાઈ છે. અમદાવાદથી શરૂ થયેલી આ રેલી દરમિયાન સૌરાષ્ટ્રના 11 શહેરોમાં 300થી 350 જેટલા શાળા-કોલેજ કેમ્પસમાં જાગૃતિ કાર્યક્રમો યોજવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી આ અભિયાન સતત ચાલી રહ્યું છે. દરરોજ સવારે શાળા-કોલેજોમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે, જ્યારે સાંજે શહેરોમાં સિટી રાઈડ યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. સુરેન્દ્રનગર બાદ ટીમ મોરબી પહોંચી હતી અને અહીંથી રાજકોટ તરફ પ્રયાણ કરશે.
અભિયાનના અન્ય સભ્ય સુરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વર્ષ 2024ની જેમ આ વર્ષે પણ અંદાજે 1,100 કિલોમીટરની બાઈક રાઈડ યોજાઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, બોટાદ અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના 11 શહેરો આવરી લેવાશે. મોરબીમાં ટીમે 8 જેટલી શાળાઓની મુલાકાત લઈને 1,500થી વધુ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણ અંગે જાગૃત કર્યા હતા.
નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવાનોની આગેવાનીમાં ચાલી રહેલું આ અભિયાન લોકોને સકારાત્મક સંદેશ આપવાની સાથે ડ્રગ્સ વિરુદ્ધ સામૂહિક લડતનું પણ ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.


