ટંકારાના નસીતપરમાં પાકિટ ચોરીની શંકાએ મિત્રના હાથે જ યુવાનની હત્યા
માથામાં ધોકો મારતા ખૂની ખેલ ખેલાયો : આરોપીની ધરપકડ
અગ્ર ગુજરાત, મોરબી
ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની બાબતે થયેલી તકરાર દરમિયાન થયેલા હત્યા કેસમાં ટંકારા પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો છે. આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇ તા.૨૮/૦૬/૨૦૨૬ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ફરીયાદી અશોકસિંહ હનુભા ઝાલા રહે. નશીતપર તા.ટંકારા જી.મોરબી વાળાની વાડીમાં ખેતમજુરી કામ કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા રહે. મોરબી વાળો તથા તેનો મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે. મોરબી વાળો એમ બન્ને વાડીએ બેઠા હતા.
ત્યારે અનીલ મકવાણાનું પાકીટ રવિભાઇ ચોરાસાએ લઇ લીધેલ હોય જે બાબતે ઝઘડો થતા અનિલ અશ્વિનભાઈ મકવાણાએ રવિભાઈ બાબુભાઇ ચોરાસાને લાકડાના ધોકા વડે શરીરે તથા માથામાં ગંભીર પ્રકારની ઇજા કરી ખુન કરી નાશી ગયેલ હોય જે મર્ડરના ગુનાના આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલિસ સ્ટેશનનાઓની સુચના થતા માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મર્ડર કરી નાશી ગયેલ આરોપીને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન હ્યુમનસોર્સીશ તેમજ મળેલ બાતમીના આધારે મર્ડરના આરોપીને અટક કરી આરોપી પાસેથી ગુનાના કામે ઉપયોગ કરેલ લાકડાનો ધોકો કબજે કરી જરૂરી પુરાવા એકત્રીત કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.


