મોરબીમાં તંત્રની ઘોર નિદ્રા સામે મહિલાઓનો રણચંડી અવતાર
૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!
નીતિન પાર્ક, વૈભવ નગર અને ચિત્રકૂટ સોસાયટીના રહીશોનો મનપા સામે હલ્લાબોલ; ‘મેયર-કમિશનર સ્થળ પર આવે પછી જ રસ્તો ખુલશે’ તેવી આક્રમક ચીમકી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી મહાનગરપાલિકાના આળસુ અને બિનકાર્યક્ષમ વહીવટ સામે સ્થાનિક રહીશોનો આક્રોશ સીમા વટાવી ગયો છે. રવાપર વિસ્તારની ત્રણ-ત્રણ સોસાયટીના રોડ-રસ્તાના કામો દોઢ વર્ષથી અટકી પડતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે રણચંડી અવતાર ધારણ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશોએ હાથમાં થાળી-વેલણ વગાડીને રવાપર ચોકડી ખાતે ચક્કાજામ કરી દેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, અગાઉ જ્યારે રવાપર ગ્રામ પંચાયત હેઠળ હતું ત્યારે નીતિન પાર્ક, વૈભવ નગર અને ચિત્રકૂટ સોસાયટીમાં નવા રોડ-રસ્તા બનાવવા માટેના કામો વિધિવત રીતે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, રવાપરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ આ તમામ પ્રજાલક્ષી કામો કાગળ પર જ અટકી પડ્યા છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતના મંજૂર થયેલા ઠરાવો મનપા કમિશનરને રૂબરૂ સુપરત કરવામાં આવ્યા હતા અને કમિશનરે વહેલી તકે રોડ બનાવી આપવાની ખાતરી પણ આપી હતી. પરંતુ મનપા અસ્તિત્વમાં આવ્યાને દોઢ વર્ષથી વધુ સમય વિતી જવા છતાં પરિસ્થિતિ ‘જેસે થે’ રહેતા લોકોની ધીરજ ખૂટી હતી.
તંત્રના વારંવારના પોકળ વાયદાઓથી કંટાળેલા સ્થાનિકોએ આજે વિરોધનો આક્રમક માર્ગ અપનાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પ્રથમ રવાપર-ઘુંડા રોડ પર ગોલ્ડન માર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો અને ત્યારબાદ રવાપર ચોકડીએ પહોંચીને થાળી-વેલણના અવાજ સાથે મનપા તંત્ર સામે જોરદાર નારેબાજી કરી રસ્તો રોકી દીધો હતો.
વિરોધ પ્રદર્શન કરી રહેલા રહીશોએ ઉગ્ર અને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, “જ્યાં સુધી મહાપાલિકાના મેયર અને કમિશનર પોતે સ્થળ પર આવીને નીતિન પાર્ક, વૈભવનગર અને ચિત્રકૂટ સોસાયટીમાં રોડના કામ ત્વરિત શરૂ કરવાની લેખિત કે મક્કમ ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ ચક્કાજામ આંદોલન યથાવત રહેશે.” આ વિરોધના કારણે રવાપર ચોકડી ખાતે વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી.


