કોરોનામાં જીવ ગુમાવનારા GSRTCના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને રૂ.૨૫-૨૫ લાખની સહાય અપાશે
૨૭ જુલાઈએ ગાંધીનગરમાં યોજાશે સહાય ચેક વિતરણ કાર્યક્રમ: કાનૂની આંટીઘૂંટી ઉકેલી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ GSRTCના ડ્રાઇવર, કંડક્ટર અને સ્ટાફને ‘કોરોના વોરિયર’ ગણી લીધો મોટો નિર્ણય લીધો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
કોવિડ-૧૯ મહામારીની વિકટ પરિસ્થિતિમાં પોતાની જાનના જોખમે પ્રજાની સેવા કરનારા અને ફરજ દરમિયાન સંક્રમિત થઈ જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના ૧૧૫ કર્મચારીઓના પરિવારો માટે રાજ્ય સરકારે અતિ સંવેદનશીલ અને મહત્વનો નિર્ણય લીધો છે. મૃતક કર્મચારીઓના પરિવારજનોને રૂ. ૨૫-૨૫ લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ ૨૭ જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવશે. આ પહેલ હેઠળ કુલ રૂ. ૨૮.૭૫ કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ના મહામારીના સમયમાં GSRTCએ અન્ય રાજ્યોના પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુરક્ષિત પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. નિગમે ૩ રાજ્યોમાં ૨૨,૯૫૩ ટ્રિપ્સનું સંચાલન કરીને ૬,૯૯,૩૫૭ મુસાફરોને વતન પહોંચાડ્યા હતા. આ રાહત કામગીરી દરમિયાન વાયરસની ચપેટમાં આવવાથી ૧૧૫ કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યો હતો, જેમાં ૩૯ ડ્રાઇવર, ૩૧ કંડક્ટર, ૨૯ વહીવટી કર્મચારીઓ અને ૧૬ મિકેનિકનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કર્મચારીઓ માટે કોવિડ સહાયનો પરિપત્ર હતો, પરંતુ GSRTC એક ‘નિગમ’ હોવાથી તેના કર્મચારીઓના પરિવારોને આ સહાય મળવા સામે ટેકનિકલ આંટીઘૂંટી ઉભી થઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત સંવેદનશીલતા દર્શાવી આ મુશ્કેલીનો સકારાત્મક ઉકેલ લાવ્યા હતા અને નિગમના કર્મચારીઓને પણ ‘કોરોના વોરિયર’ ગણી રૂ. ૨૫ લાખની સહાય મંજૂર કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલો આ નિર્ણય GSRTCના કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સર્વોચ્ચ બલિદાન પ્રત્યે રાજ્ય સરકારની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સમાન છે.


