ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલું
80 હજાર CCTV કેમેરા જોડાશે એક નેટવર્કમાં
AI આધારિત વિડિયો એનાલિટિક્સ માટે દેશની સૌથી મોટી હેકાથોન યોજાશે : લાઇવ CCTV ફીડ પર થશે રિયલ ટાઇમ પરીક્ષણ, વિજેતા ટીમોને રૂ.37 લાખના ઇનામ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં પોલીસિંગની પરંપરાગત પદ્ધતિને ટેક્નોલોજી સાથે વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. પોલીસ વડા જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ-2026 અંતર્ગત દેશની સૌથી મોટી CCTV ઇન્ટિગ્રેશન અને AI આધારિત વિડિયો એનાલિટિક્સ હેકાથોનનું આયોજન કરવામાં આવશે. આ પહેલમાં દેશભરના સ્ટાર્ટઅપ, ઇનોવેટર્સ, ટેક્નોલોજી કંપનીઓ, ડેવલપર્સ અને સંશોધકોને જોડવામાં આવશે.
આ હેકાથોનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વિવિધ સ્થળોએ કાર્યરત 80 હજારથી વધુ CCTV કેમેરાને એક સંકલિત નેટવર્ક સાથે જોડીને પબ્લિક સેફ્ટી માટે વધુ ઝડપી અને અસરકારક સિસ્ટમ વિકસાવવાનો છે. હાલ અલગ-અલગ સરકારી વિભાગો અને સ્થળોએ જુદા વેન્ડર, VMS પ્લેટફોર્મ અને નેટવર્ક પર CCTV સિસ્ટમ કાર્યરત છે. આવા વિખરાયેલા કેમેરા નેટવર્કને એકસાથે લાવીને પોલીસને એક જ પ્લેટફોર્મ પરથી જરૂરી માહિતી ઝડપથી મળી રહે તે દિશામાં સોલ્યુશન તૈયાર કરાશે.
હેકાથોનની સૌથી વિશેષ બાબત એ રહેશે કે સ્પર્ધકોને માત્ર ડેમો કે સિમ્યુલેશન પૂરતું મર્યાદિત રાખવામાં નહીં આવે, પરંતુ લાઇવ CCTV ફીડ પર પોતાના સોલ્યુશન્સની કામગીરી દર્શાવવાની તક મળશે. શંકાસ્પદ વ્યક્તિ કે વાહનની ઓળખ, અસામાન્ય હિલચાલ શોધવી, તાત્કાલિક એલર્ટ જનરેટ કરવું, નંબર પ્લેટ ઓળખવી, વાહનની મૂવમેન્ટ ટ્રેક કરવી અને વોચલિસ્ટ સાથે મેચિંગ જેવી ક્ષમતાઓનું વાસ્તવિક પરીક્ષણ થશે.
આ ઉપરાંત અલગ-અલગ કેમેરામાંથી મળતી માહિતીના આધારે કોઈ વ્યક્તિ અથવા વાહનની હિલચાલ શોધી શકાય તેવી ક્રોસ-કેમેરા સર્ચ ટેક્નોલોજી પર પણ ભાર મૂકવામાં આવશે. પરિણામે પોલીસને ઘટના બન્યા બાદ તપાસ કરવાની સાથે સંભવિત ગુનાહિત પ્રવૃત્તિ અંગે અગાઉથી એલર્ટ મેળવવામાં મદદ મળી શકે છે.
આ સમગ્ર સ્પર્ધાને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ‘ઓપન ઇનોવેશન ચેલેન્જ’ યોજાશે, જેમાં બે કેટેગરી રાખવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં વિદ્યાર્થીઓ, નાના અને મધ્યમ કદના સ્ટાર્ટઅપ્સને તક મળશે, જ્યારે બીજી કેટેગરીમાં મોટા સ્ટાર્ટઅપ્સ તથા સ્થાપિત ટેક્નોલોજી કંપનીઓ ભાગ લઈ શકશે.
પ્રથમ તબક્કામાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી છ ટીમોને અંતિમ તબક્કા માટે પસંદ કરવામાં આવશે. આ ટીમો લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલીસિંગ પરિસ્થિતિઓને આધારે પોતાના સોલ્યુશન્સનું ડેમોન્સ્ટ્રેશન કરશે. વિજેતા ટીમો માટે કુલ રૂ.37 લાખના રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે.
હેકાથોનની શરૂઆત સંભવિત રીતે સપ્ટેમ્બર મહિનામાં થશે. ગુજરાત પોલીસ દ્વારા આ પહેલ i-Hub ગુજરાતના ટેક્નોલોજી પાર્ટનરશિપ તથા DA-IICT અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના નોલેજ પાર્ટનરશિપ સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકો માટે નિયમો, માર્ગદર્શિકા અને અન્ય વિગતો સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ પહેલથી રાજ્યમાં CCTV આધારિત સુરક્ષા વ્યવસ્થાને માત્ર મોનિટરિંગ પૂરતી નહીં, પરંતુ AI આધારિત વિશ્લેષણ અને રિયલ-ટાઇમ નિર્ણયક્ષમતા સાથે જોડવાનો માર્ગ ખુલશે. પરિણામે ભવિષ્યમાં વધુ ઝડપી પ્રતિસાદ, ગુનાની રોકથામ અને તપાસમાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શક્ય બનશે.
80 હજારથી વધુ કેમેરા એક છત્ર હેઠળ
ગુજરાતના વિવિધ શહેરો, સરકારી વિભાગો અને મહત્વના સ્થળોએ કાર્યરત 80 હજારથી વધુ CCTV કેમેરાને એક સંકલિત નેટવર્ક સાથે જોડવાનો હેતુ છે. અલગ-અલગ વેન્ડર અને VMS પ્લેટફોર્મ પર ચાલતી સિસ્ટમને એકસાથે લાવીને પોલીસને ઝડપી અને એકીકૃત મોનિટરિંગની સુવિધા મળશે.
AI શોધશે શંકાસ્પદ હિલચાલ, કેમેરા આપશે એલર્ટ
AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિ, વાહન કે અસામાન્ય ગતિવિધિની ઓળખ કરી શકાય તેવા સોલ્યુશન્સ વિકસાવવામાં આવશે. નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને રિયલ-ટાઇમ એલર્ટ જેવી સુવિધાઓ પોલીસિંગને વધુ પ્રો-એક્ટિવ બનાવશે.
ટોપ-6 ટીમો ફિનાલેમાં, બે સ્ટેજમાં મુકાબલો
પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ, નાના-મધ્યમ સ્ટાર્ટઅપ્સ, મોટા સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજી કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. શ્રેષ્ઠ કામગીરી કરનારી છ ટીમો અંતિમ તબક્કામાં પહોંચશે અને લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલીસિંગ સિનારિયો પર પોતાના સોલ્યુશન્સ રજૂ કરશે.
ઇનોવેશનને મળશે પ્રોત્સાહન
AI અને CCTV આધારિત પબ્લિક સેફ્ટી સોલ્યુશન્સ વિકસાવનારી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે હેકાથોનમાં કુલ રૂ.37 લાખના રોકડ પુરસ્કારો રાખવામાં આવ્યા છે. સપ્ટેમ્બરથી શરૂ થનારી આ પહેલમાં i-Hub ગુજરાત, DA-IICT અને NFSU ટેક્નોલોજી તથા નોલેજ પાર્ટનર તરીકે જોડાયા છે.


