ગોંડલમાં તાલુકા શાળાના મેદાનમાં જાહેરમાં ચાલતા વર્લી જુગારધામ પર રેન્જની તવાઈ
10 શખ્સોને દબોચ્યા, ત્રણ સહિત મુખ્ય સૂત્રધારો ફરાર; રોકડ અને 11 મોબાઈલ મળી રૂ.2.23 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલમાં જાહેર સ્થળે ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ પોલીસે લાલ આંખ કરી છે. ભુવનેશ્વરી મંદિર સામે આવેલી તાલુકા શાળાના મેદાનમાં વર્લી ફીચરના આંકડા પર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેન્જની ટીમે દરોડો પાડતાં જુગારધામમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,52,311 અને 11 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.2,23,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામમાં ઈકબાલ ઉર્ફે ઘોડી વાલાભાઈ મતવા અને આમદ ખીરાણીની સંડોવણી હોવાની બાતમી મળી હતી. બંને સહિત ફરાર શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. તેના અનુસંધાને રેન્જના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ સહિતની ટીમ તપાસમાં હતી. દરમિયાન ગોંડલમાં ભુવનેશ્વર મંદિર સામે કનૈયા પાનની દુકાન પાછળ આવેલા તાલુકા શાળાના મેદાનમાં ઈકબાલ ઉર્ફે ઘોડી અને આમદ ખીરાણી દ્વારા વર્લી ફીચરનો જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની અચાનક એન્ટ્રીથી જુગાર રમતા શખ્સોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, પોલીસે ઘેરાબંધી કરીને 10 શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા શખ્સોમાં જગદીશ હરેશ ગયનાણી, જયદીપ ઉર્ફે બાડો લીંબા વોરા, મુનાફ ઉર્ફે મુન્નો ઈસ્માઈલ બલોચ, મજીદ ઓસમાણ સેતા, વસીમ અબ્દુલ શાહમદાર, વિપુલ ખેંગાર ગોલતર, અશરફ કરીમ જલવાણી, રોનકઅલી અહમદઅલી ત્રિવેદી, મહમદ બચુ ચુડાસમા અને નાથા થોભણ ચાંદેલાનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન રમજાન બેલીમ સહિત ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા જગદીશ, જયદીપ અને મુનાફ મુખ્ય સૂત્રધારના કહેવાથી વર્લી ફીચરના આંકડા લઈને જુગારની પ્રવૃત્તિ ચલાવતા હોવાની વિગતો સામે આવી છે. હવે પોલીસ ફરાર ત્રણ શખ્સો ઉપરાંત કથિત રીતે જુગાર રમાડતા ઈકબાલ ઉર્ફે ઘોડી અને આમદ ખીરાણીને ઝડપી લેવા માટે તપાસ કરી રહી છે.


