જૈન આચાર્ય લોકેશજીનું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડથી સન્માન
“સન્માન મારું નહીં, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું છે” – જૈન આચાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર હ્યુમન રાઇટ્સ 2026માં અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ 2026 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નવી દિલ્હીના એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ન્યાયમૂર્તિ સુશ્રી ઇન્દિરા બેનર્જીના હસ્તે તેમને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વર્લ્ડ હ્યુમન રાઇટ્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આચાર્ય લોકેશજીને અહિંસા, શાંતિ, માનવાધિકારો અંગે જાગૃતિ, સામાજિક સદભાવ અને માનવીય મૂલ્યોના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર હ્યુમન રાઇટ્સના ઉદ્ઘાટન સત્રમાં વૈશ્વિક શાંતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, “મનની શાંતિ વિના વિશ્વશાંતિ શક્ય નથી.” ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ 2026 પ્રાપ્ત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, “આ સન્માન મારું નહીં, ભારતીય સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું છે.”
કાર્યક્રમમાં ભારતના પૂર્વ મુખ્ય માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિન્હાએ પોતાના વિચારો રજૂ કરતાં માનવાધિકારો, સામાજિક ન્યાય અને માનવીય ગરિમાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. બ્રિટનથી પધારેલાં ડૉ. રેણુ રાજે પણ પોતાના વિચારો વ્યક્ત કરતાં માનવાધિકારોના સંરક્ષણ અને વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સંદીપ મારવાહે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આચાર્ય લોકેશજી લાંબા સમયથી અહિંસા, કરુણા, સહિષ્ણુતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટર માનવતા, નૈતિક મૂલ્યો, સામાજિક સદભાવ અને વિશ્વશાંતિની સ્થાપના માટે સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે માનવાધિકારોમાં સમાનતા, સામાજિક ન્યાય અને દરેક વ્યક્તિની ગરિમા સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આચાર્ય લોકેશજીને પ્રાપ્ત થયેલું આ સન્માન અહિંસા, શાંતિ અને માનવકલ્યાણ પ્રત્યેના તેમના સતત સમર્પણનું પ્રતીક છે.


