APK ફાઈલથી બેંક એકાઉન્ટ ખાલી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા, ગ્રામ્ય પોલીસને સફળતા : લગ્નની કંકોત્રીના નામે માલવેર મોકલી મોબાઇલનો કબજો મેળવતા, ખાતાંમાંથી નાણાં જ્વેલર્સના QR કોડ પર ટ્રાન્સફર કરી સોનાના સિક્કા ખરીદતા; રૂ.18.16 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
મોબાઇલ ફોન પર વોટ્સએપ મારફતે લગ્નની કંકોત્રી, કુરિયર, વીજળીનું બિલ કે ઈ-ચલાનના નામે APK ફાઈલ મોકલી લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેતી આંતરરાજ્ય સાયબર ગેંગનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં કોલ સેન્ટર જેવું નેટવર્ક ચલાવી ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોના લોકોને નિશાન બનાવતી આ ગેંગના મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ ભોગ બનનારના મોબાઇલનો કંટ્રોલ મેળવી ખાતાંમાંથી નાણાં જ્વેલર્સના QR કોડ પર ટ્રાન્સફર કરતા અને તે રકમથી સોનાના સિક્કા તથા ઘરેણાં ખરીદી બાદમાં વેચીને રોકડમાં ફેરવી નાખતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, સોનાના 13 સિક્કા, સોનાની ચેઇન, રોકડ રકમ, વિવિધ બેંકોનાં 18 ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને સાત સિમકાર્ડ સહિત કુલ રૂ.18.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલા સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધોરાજીના સુપેડી ગામના નિવૃત્ત કર્મચારી જયંતિલાલ ભેંસદડિયાના મોબાઇલ પર તેમના નજીકના સગાના વોટ્સએપ એકાઉન્ટમાંથી લગ્નની કંકોત્રીના સ્વરૂપમાં APK ફાઈલ આવી હતી. ઓળખીતા વ્યક્તિના એકાઉન્ટમાંથી ફાઈલ આવી હોવાથી ફરિયાદીએ પૂરતી ખરાઈ કર્યા વિના તેને ઇન્સ્ટોલ કરી લીધી હતી. જોકે, આ ફાઈલમાં છુપાયેલા માલવેરના કારણે સાયબર ગઠિયાઓએ તેમના મોબાઇલનો કંટ્રોલ મેળવી લીધો અને બેંક એકાઉન્ટમાંથી રૂ.6.57 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવ્યા બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેકનિકલ તપાસ અને નાણાકીય વ્યવહારોની વિગતો મેળવવા અલગ-અલગ ટીમો બનાવી હતી. APK ફાઈલ તૈયાર કરનાર વ્યક્તિ, માલવેરના સંચાલન માટે વપરાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંની હેરફેરની કડીઓ તપાસતાં આ નેટવર્કનું સંચાલન પશ્ચિમ બંગાળના કોલકાતા સહિતનાં સ્થળોએથી થતું હોવાની માહિતી મળી હતી. બીજી તરફ, બેંક સ્ટેટમેન્ટ, સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) અને ફંડ ટ્રેલની તપાસમાં છેતરપિંડીની રકમનો ઉપયોગ વિવિધ રાજ્યોની જ્વેલર્સ પેઢીઓમાંથી સોનાના સિક્કા ખરીદવા માટે થતો હોવાની વિગતો સામે આવી હતી. આ કડીઓના આધારે પોલીસની ટીમો પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં તપાસ માટે રવાના કરવામાં આવી હતી.
તપાસમાં બહાર આવેલી મોડસ ઓપરેન્ડી મુજબ, આરોપીઓ સૌપ્રથમ લોકોને વિશ્વાસમાં લેવા માટે મહિલાઓનાં નામે વોટ્સએપ એકાઉન્ટ બનાવતા હતા. આ એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં યુવતીઓના ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ લગ્નની કંકોત્રી, કુરિયર ડિલિવરી, વીજળીનું બિલ, ઈ-ચલાન કે અન્ય આકર્ષક સંદેશના બહાને APK ફાઈલ મોકલવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં મહિલાના અવાજમાં રેકોર્ડ કરેલા ઓડિયો મેસેજનો પણ ઉપયોગ થતો હતો, જેથી ફાઈલ ખોલવા માટે સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં લઈ શકાય. ભોગ બનનાર ફાઈલ ઇન્સ્ટોલ કરે કે તરત જ માલવેર મારફતે તેના મોબાઇલ પર નિયંત્રણ મેળવી બેંકિંગ વ્યવહારો દ્વારા નાણાં અન્ય ખાતાંઓમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી.
સાયબર ફ્રોડથી મેળવેલી રકમ સીધી રોકડમાં ફેરવવાને બદલે આરોપીઓએ સોનાની ખરીદીનો રસ્તો અપનાવ્યો હતો. ભોગ બનનારના ખાતામાંથી ટ્રાન્સફર થયેલા નાણાંનો ઉપયોગ વિવિધ રાજ્યોની જ્વેલર્સ પેઢીઓના QR કોડ પર ઓનલાઇન પેમેન્ટ કરવા માટે થતો હતો. આ રકમથી શુદ્ધ સોનાના સિક્કા તથા ઘરેણાં ખરીદવામાં આવતાં હતાં. ત્યારબાદ ખરીદેલું સોનું અન્ય જ્વેલર્સને વેચીને રોકડ મેળવવામાં આવતી હતી. આ વ્યવહારોમાં ખોટાં ઓળખપત્રો, અન્ય વ્યક્તિઓનાં નામે બિલિંગ અને અલગ-અલગ બેંક કાર્ડનો ઉપયોગ થતો હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે. રોકડમાંથી પોતાનો હિસ્સો રાખ્યા બાદ બાકીની રકમ અન્ય સાગરીતો તથા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હતી. આ રીતે છેતરપિંડીના નાણાંની મૂળ કડી સુધી પહોંચવું મુશ્કેલ બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે આ નેટવર્કમાં સંડોવણીના આરોપસર મોહમ્મદ દાનિશ આલમગીર રિઝવી ઉર્ફે ડેનિયલ, મોહમ્મદ તૌસીફ રઝા, ઝોયા ખાન અને અયાઝ આલમને ઝડપી લીધા છે. પોલીસની તપાસ મુજબ, દાનિશ આલમગીર આ સમગ્ર કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે APK ફાઈલ તૈયાર કરનારા ડેવલપરના સંપર્કમાં રહી માલવેરના સંચાલન માટે જરૂરી વ્યવસ્થા કરાવતો હતો. સાયબર ફ્રોડથી મેળવેલી રકમનો ઉપયોગ સોનાની ખરીદીમાં કરવો, સોનું વેચીને રોકડ મેળવવી અને ત્યારબાદ નાણાંની વહેંચણી કરવી જેવી કામગીરીમાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અન્ય આરોપી તૌસીફ રઝા સાયબર ફ્રોડથી મેળવેલા નાણાંમાંથી કિંમતી ચીજવસ્તુઓ અને સોનાના સિક્કા ખરીદવા તેમજ બાદમાં તેનું વેચાણ કરીને રોકડ મેળવવાની કામગીરીમાં સંડોવાયેલો હોવાનો પોલીસનો દાવો છે. આ પ્રક્રિયામાં તેની મહિલા મિત્ર ઝોયા ખાન પણ સક્રિય રીતે જોડાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોયા જ્વેલર્સ પાસેથી QR કોડ મેળવવા, ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા કરવામાં મદદ કરવા, ખોટાં ઓળખપત્રોનો ઉપયોગ કરવા અને ખરીદેલા સોનાના વેચાણ મારફતે નાણાંની હેરફેરમાં સંડોવાયેલી હતી. અયાઝ આલમની ભૂમિકા કોલ સેન્ટરમાં રહી APK ફાઈલ તૈયાર કરવાની તથા તેને દેશભરમાં ફેલાવવાની કામગીરી સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન ભુવનેશ્વરની કલ્યાણ જ્વેલર્સ પેઢીમાં રૂ.6 લાખના સોનાના સિક્કા ખરીદવાના વ્યવહારની કડી પણ સામે આવી હોવાનું જાણવા મળે છે. આ ખરીદી માટે ઝોયા દ્વારા મોકલવામાં આવેલા QR કોડના આધારે ભોગ બનનારના મોબાઇલ પર કબજો ધરાવતા આરોપીઓ ઓનલાઇન પેમેન્ટ કરતા હતા. અન્ય સ્થળોએથી એટીએમ મારફતે રોકડ ઉપાડીને પણ નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. ખરીદીના બિલિંગ માટે દાનિશ સાથે સંકળાયેલા સ્થળે દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવતા હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમની ટીમે કર્ણાટકના બેંગલુરુમાંથી બે આરોપીઓ અને પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી એક આરોપીને ઝડપી પાડ્યા છે. અન્ય આરોપીની ધરપકડ અંગેની વિગતો સાથે પોલીસે આ નેટવર્કમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા તપાસવાનું શરૂ કર્યું છે. આરોપીઓની તલાશી દરમિયાન 11 મોબાઇલ ફોન, અલગ-અલગ વજનના 13 સોનાના સિક્કા, એક સોનાની ચેઇન, રોકડ રકમ, વિવિધ બેંકોનાં 18 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા અલગ-અલગ કંપનીનાં સાત સિમકાર્ડ મળી કુલ રૂ.18.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા કાર્ડ સાથે જોડાયેલા બેંક ખાતાં ફ્રીઝ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગેંગનું નેટવર્ક દેશનાં આઠથી વધુ રાજ્યો સુધી ફેલાયેલું હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય સહિત સાત ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું જણાવાયું છે. જોકે, APK ફાઈલ તૈયાર કરનારા ડેવલપર, નાણાંની હેરફેરમાં સંકળાયેલા અન્ય સાગરીતો અને આ નેટવર્ક સાથે જોડાયેલી વધુ કડીઓની તપાસ ચાલુ છે. પોલીસને આશા છે કે તપાસ આગળ વધતાં આ આંતરરાજ્ય સાયબર ગેંગના વધુ ગુનાઓ અને અન્ય આરોપીઓ અંગે પણ મહત્ત્વની વિગતો બહાર આવશે. દરમિયાન, રાજકોટ ગ્રામ્ય પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વોટ્સએપ, એસએમએસ કે સોશિયલ મીડિયા મારફતે અજાણ્યા સ્રોતમાંથી મળતી APK ફાઈલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. ઓળખીતા વ્યક્તિના નંબર પરથી આવી ફાઈલ મળે તો પણ મોકલનારનો સીધો સંપર્ક કરીને ખરાઈ કરવી જરૂરી છે. વીજળીનું બિલ, બેંકની KYC પ્રક્રિયા, ઈ-ચલાન, કુરિયર કે લગ્નના આમંત્રણના નામે આવતી શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવું અને અજાણી એપને SMS, કોન્ટેક્ટ્સ કે અન્ય સંવેદનશીલ પરવાનગીઓ આપવી નહીં. OTP, UPI PIN, બેંકિંગ પાસવર્ડ કે કાર્ડની ગુપ્ત વિગતો કોઈની સાથે શેર ન કરવી. સાયબર નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતાં જ વિલંબ કર્યા વિના 1930 પર ફરિયાદ નોંધાવી સંબંધિત બેંકને જાણ કરવી, જેથી નાણાં અટકાવવા માટે સમયસર કાર્યવાહી થઈ શકે.


