દુષ્કાળ સહાયના ₹8,500ના પેકેજ સામે લલિત વસોયાના આકરા પ્રહાર
પાક નિષ્ફળ ગયો હોય તો કપાસ-મગફળીનું સંપૂર્ણ ધિરાણ માફ કરો” : પૂર્વ ધારાસભ્યની માંગ, આંદોલનની ચીમકી
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી હેક્ટર દીઠ રૂ. 8,500ની સહાયને ખેડૂતો સાથેની ક્રૂર મજાક ગણાવી છે અને પાક નિષ્ફળ ગયો હોય ત્યારે માત્ર આટલી સહાય આપવાને બદલે કપાસ અને મગફળીના પાક માટે ખેડૂતોને આપવામાં આવતા ધિરાણની સંપૂર્ણ માફી કરવાની માંગ કરી છે. લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે ગંભીર નથી. તેમના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને સરકાર પાક નિષ્ફળ જવાની સ્થિતિ સ્વીકારતી હોય, તો ખેડૂતોને થનારા મોટા આર્થિક નુકસાનની સરખામણીએ હેક્ટર દીઠ રૂ. 8,500ની સહાય અપૂરતી છે. તેમણે આ સહાયને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી હતી.
પૂર્વ ધારાસભ્ય વસોયાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019માં ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, ખેડૂતોને વાવેતરથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધીના ખર્ચને ધ્યાનમાં રાખીને ધિરાણની મર્યાદા નક્કી કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે કપાસ માટે હેક્ટર દીઠ રૂ. 1.50 લાખ અને મગફળી માટે હેક્ટર દીઠ રૂ. 1.37 લાખનું ધિરાણ નક્કી કરવામાં આવ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો પાક નિષ્ફળ ગયો હોય અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડી હોય, તો માત્ર રૂ. 8,500ની સહાયથી ખેડૂતોનું નુકસાન કેવી રીતે ભરપાઈ થઈ શકે? સરકાર ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કપાસ અને મગફળીના પાક માટેનું સંપૂર્ણ ધિરાણ માફ કરે તેવી તેમણે માંગ કરી હતી.
લલિત વસોયાએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય રાહત નહીં મળે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી શકે છે. તેમણે રાજ્ય સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અને દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોને અસરકારક આર્થિક રાહત આપવા અપીલ કરી હતી.


