સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘Safe, Healthy and Inclusive Spaces’ વિષય પર રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો
મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવાનો સંકલ્પ
વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત જેન્ડર રિસોર્સ સેન્ટર (GRC) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનના સંયુક્ત ઉપક્રમે ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘Safe, Healthy and Inclusive Spaces’ વિષય પર એક દિવસીય વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સેમિનારના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. ઉત્પલભાઈ જોશી સાહેબના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ સેમિનારમાં યુનિવર્સિટીના વિવિધ ભવનોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં અલગ-અલગ સત્રો અંતર્ગત વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર અને એક્સપર્ટ લેક્ચરર ડૉ. આશિષભાઈ શુક્લાએ ‘જાતિગત ભેદભાવ અને હિંસા’ વિષય પર પોતાનું મહત્વનું વક્તવ્ય આપ્યું હતું. જેન્ડર રિસોર્સ સેન્ટરના ઓફિસર શૈલેન્દ્ર કુમારી ઝાલા મેડમે સેમિનારનો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો હતો તેમજ મહિલાઓની કાર્યસ્થળે સુરક્ષા માટેના ‘Posh Act’ (પોશ કાયદો) વિશે કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ ‘માનવ અધિકાર’ વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા પણ સંકટ સમયે મહિલા સુરક્ષા એપ અને હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આરોગ્ય ભવનના સહયોગથી સહભાગી થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય ભવનના ડૉ. જયંતીભાઈ જીવાણી તેમજ મયુરભાઈ મોણપરાએ હાજર રહીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરી જેહેમત ઉઠાવી હતી.
સેમિનારમાં અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. શાહ તેમજ ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ તમામ મહેમાનોનું શબ્દોથી હાર્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રિતેશભાઈ પોપટે કર્યું હતું અને અંતમાં આભાર વિધિ સમાજકાર્ય ભવનના અધ્યાપક ચાંદનીબેન દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમાજકાર્ય ભવનના અધ્યાપક ડો પરેશ સરસીયા ફિલ્ડ વર્ક ઓફિસર હિરલબેન રાવલ, બીનાબેન જોશી તેમજ સમાજકાર્ય ભવનના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.


