મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલનું ગ્રૂપ બન્યું સ્વાસ્થ્ય અને હૂંફનું કેન્દ્ર
સ્વિમિંગ પુલ બન્યો સ્વાસ્થ્ય, સ્નેહ અને મિત્રતાનો સંગમ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા માટે લોકો વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ અપનાવે છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ ખાતે નિયમિત સ્વિમિંગ કરતા લોકોનું ગ્રૂપ સ્વાસ્થ્ય, આનંદ, મિત્રતા અને પરસ્પર લાગણીનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અહીં સ્વિમિંગ માત્ર કસરત પૂરતું સીમિત નથી, પરંતુ રોજિંદા જીવનમાં સકારાત્મકતા અને સામાજિક જોડાણ જાળવવાનું માધ્યમ પણ બન્યું છે.
આ ગ્રૂપમાં કોઈ પોતાની શારીરિક ક્ષમતા વધારવા માટે સ્વિમિંગ કરે છે, તો કોઈ પોતાની અનુકૂળતા અને ક્ષમતા પ્રમાણે સ્પ્રિન્ટ લગાવીને કસરત કરે છે. કોઈને તબીબી કારણોસર ચાલવામાં મુશ્કેલી હોય અથવા ડૉક્ટરે ચાલવા અંગે મર્યાદા સૂચવી હોય તો તે પોતાની સ્થિતિને અનુરૂપ સ્વિમિંગનો વિકલ્પ અપનાવે છે. જ્યારે કેટલાક સભ્યો નિવૃત્તિ પછી મળેલા સમયનો સદુપયોગ કરીને દરરોજ નિયમિત 45 મિનિટ સ્વિમિંગ કરવાનો આનંદ માણે છે. દરેકનો હેતુ અલગ હોવા છતાં સૌમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જોવા મળે છે.
સ્વિમિંગ દરમિયાન અને ત્યારબાદ ગ્રૂપના સભ્યો વચ્ચે રોજિંદા જીવનની વિવિધ ઘટનાઓની ચર્ચા પણ થાય છે. જમીન-મકાનના વ્યવહારો, શેરબજારની હિલચાલ અને સમાજમાં બનતી ઘટનાઓ અંગે વિચારો અને અનુભવોની આપ-લે થાય છે. આમ, સ્વિમિંગ પુલ જાણે આરોગ્યની સાથે જ્ઞાન અને અનુભવની આપ-લેનું અનૌપચારિક કેન્દ્ર બની જાય છે.
આ ગ્રૂપની સૌથી સુંદર વિશેષતા એકબીજા પ્રત્યેની લાગણી અને કાળજી છે. કોઈ સભ્ય એકાદ-બે દિવસ સ્વિમિંગ માટે ન આવે તો અન્ય સભ્યો તેના ખબર-અંતર પૂછે છે. જરૂરિયાતના સમયે એકબીજાને ઉપયોગી થવું, માર્ગદર્શન આપવું અને હૂંફ આપવી એ આ ગ્રૂપની આગવી ઓળખ છે.


